બાંગ્લાદેશ સરહદે અત્યાધુનિક `સ્માર્ટ ફેન્સ'' કાર્યરત

બાંગ્લાદેશ સરહદે અત્યાધુનિક `સ્માર્ટ ફેન્સ'' કાર્યરત
ઈન્ફ્રારેડ કેમેરા અને રડાર સિસ્ટમથી સજ્જ બોર્ડર ઘૂસણખોરી રોકવામાં બનશે મદદરૂપ  નવી દિલ્હી, તા. 15 : ભારત-બંગલાદેશ સરહદે 55 કિલોમીટરના વિસ્તારમાં અત્યાધુનિક બોર્ડર સક્રિય કરી દેવામાં આવી છે. ભારત-પાકિસ્તાન અને ભારત-બંગલાદેશ સરહદને સ્માર્ટ બોર્ડરથી સજ્જ કરવાની મહત્ત્વાકાંક્ષી યોજનાના ભાગરૂપે પહેલી સ્માર્ટ ફેન્સ ધુબરી વિસ્તારમાં કાર્યરત કરવામાં આવી છે. આ સ્માર્ટ ફેન્સ ઘૂસણખોરી રોકવા માટે ખૂબ જ મદદરૂપ બની રહેશે. કારણ કે સીઆઈબીએમએસ (કોમ્પ્રીહેન્સીવ ઈન્ટીગ્રેટેડ બોર્ડર મેનેજમેન્ટ સીસ્ટમ) તરીકે ઓળખાતી બોર્ડરમાં ઈન્ફ્રારેડ કેમેરા અને રડાર ટેક્નીકનો ઉપયોગ કરવામાં આવે છે.   બીએસએફના ડાયરેક્ટર જનરલ કે.કે. શર્માએ સ્માર્ટ ફેન્સ અંગે વિગતો આપતા કહ્યું હતું કે, આસામના ધબુરી વિસ્તારમાં નદીના વ્હેણના કારણે બોર્ડરનું નિર્માણ શક્ય નહોતું. જેના કારણે જવાનો સ્પીડ બોટ વડે પેટ્રોલિંગ કરતા હતા. જો કે સ્માર્ટફેન્સ કાર્યરત થઈ જતા ઘૂસણખોરી અને દાણચોરીના બનાવો અટકાવવામાં મદદ મળી રહેશે. આવો જ પ્રોજેક્ટ જમ્મુમાં ભારત-પાકિસ્તાન સરહદે શરૂ કરવામાં આવ્યો છે. બીએસએફ ડાયરેક્ટરે ઉમેર્યું હતું કે, 6300 કિમી સરહદે જવાનો તૈનાત છે. જ્યારે વિષમ ભૌગોલિક સ્થિતિ ધરાવતા વિસ્તારોમાં 2000 કિમી લાંબી સ્માર્ટ ફેન્સનું નિર્માણ કરવામાં આવશે. સ્માર્ટ ફેન્સનું કામ પૂર્ણ કરવામાં અંદાજીત 2-5 વર્ષનો સમયગાળો લાગશે. સ્માર્ટ ફેન્સ તૈયાર થઈ ગયા બાદ ઈન્ફ્રારેડ કેમેરા, રડાર અને આલાર્મ સિસ્ટમ દ્વારા સરહદ ઉપર થતી તમામ ગેરકાયદેસર પ્રવૃત્તિને રોકવાની કામગીરી અસરકારક રીતે કરી શકાશે.   

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer