કોમનવેલ્થ ગેમ્સમાં 66 ચંદ્રક સાથે ભારતની સ્વર્ણિમ સફર સમાપ્ત : અૉસ્ટ્રેલિયા અને ઇંગ્લૅન્ડ પછી ત્રીજા સ્થાને

કોમનવેલ્થ ગેમ્સમાં 66 ચંદ્રક સાથે ભારતની સ્વર્ણિમ સફર સમાપ્ત : અૉસ્ટ્રેલિયા અને ઇંગ્લૅન્ડ પછી ત્રીજા સ્થાને
ગોલ્ડ કોસ્ટ તા.1પ: 21મા કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે તેનું ત્રીજું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરીને 26 સુવર્ણ, 20 રજત અને 20 કાંસ્ય મળીને કુલ 64 ચંદ્રક જીત્યા છે. આથી ગોલ્ડ કોમનવેલ્થ ગેમ્સમાં ભારત ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ પછી ત્રીજા સ્થાને રહયું હતું. કોમનવેલ્થ ગેમ્સના ઇતિહાસમાં ભારતે સૌથી શ્રેષ્ઠ પ્રદર્શન ઘરઆંગણે 2010માં દિલ્હીમાં કર્યું હતું. ત્યારે ભારતે 38 ગોલ્ડ, 27 સિલ્વર અને 36 બ્રોન્ઝ મેડલ મળીને કુલ 101 મેડલ કબજે કર્યાં હતા. જયારે 2002ના માંચેસ્ટર કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે 30 ગોલ્ડ, 22 સિલ્વર અને 17 બ્રોન્ઝ મળીને કુલ 69 મેડલ જીત્યા હતા. ગોલ્ડ કોસ્ટ કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે 1પ રમતમાં ભાગ લીધો હતો. જેમાંથી 9 રમતમાં મેડલ જીત્યા છે. 1930થી શરૂ થયેલ કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે અત્યાર સુધીમાં કુલ મળીને પ0પ મેડલ જીત્યા છે.  સૌથી વધુ ચંદ્રક નિશાનેબાજીમાં મળ્યા હતા. જેમાં ભારતને 7 ગોલ્ડ સહિત કુલ 16 મેડલ મળ્યા હતા. અનીશ ભાનવાલ, મનુ ભાકર અને મેહૂલી ઘોષ જેવા યુવા નિશાનેબાજો ઉપરાંત અનુભવી હીના સિધ્ધૂ, જીતૂ રાય અને તેજસ્વિની સાંવતે ભારતને ચંદ્રક અપાવ્યા હતા. જો કે ગગન નારંગ જેવા અનુભવીને ખાલી હાથે પાછા આવવું પડયું છે.  સૌથી મોટી નિરાશા હોકીમાંથી મળી છે. ભારતની પુરુષ અને મહિલા ટીમ મેડલની પ્રબળ દાવેદાર હતી. લીગ તબકકામાં શાનદાર પ્રદર્શન કર્યાં બાદ સેમિ ફાઇનલમાં મનપ્રિતના સુકાની પદ હેઠળની પુરુષ ટીમ અને રાની રામપાલના સુકાનીપદ હેઠળની મહિલા હોકી ટીમને હાર મળી. આ પછી બન્ને ટીમ કાંસ્ય ચંદ્રકના મુકાબલામાં ઇંગ્લેન્ડ સામે પરાજિત થઇ હતી.  વેઇટ લિફટીંગ: ભારતે વેઇટ લિફટીંગમાં કુલ 9 મેડલ  જીત્યા છે. જેમાં પ ગોલ્ડ, 2 સિલ્વર અને 2 બ્રોન્ઝ મેડલ છે. જયારે રેસલિંગમાં ભારતીય પહેલવાનોએ આ વખતે નિરાશ નથી કર્યાં. કુસ્તીમાં આ વખતે ભારતને પ ગોલ્ડ, 3 સિલ્વર અને 4 બ્રોન્ઝ મળીને કુલ 12 મેડલ કબજે કર્યાં છે.  બેડમિન્ટનમાં ભારતે શાનદાર પ્રદર્શન કરીને કુલ 6 મેડલ કબજે કર્યાં હતા. જેમાં મહિલા વિભાગનો ફાઇનલ મેચ ભારતની બન્ને સ્ટાર શટલર સિંધુ અને સાઇના વચ્ચે રમાયો હતો. જેમાં સિંધુના જોશ પર સાઇનાનો અનુભવ ભારે પડયો હતો. જયારે ટેબલ ટેનિસમાં ભારતને આ વખતે ચમત્કારિક સફળતા મળી છે. ખાસ કરીને માણિકા બત્રાએ કુલ ચાર મેડલ જીતીને નવો રેકોર્ડ બનાવ્યો છે. તે મહિલા સિંગલ્સમાં ચેમ્પિયન બની હતી. આ ઉપરાત ટીમ સ્પર્ધામાં ગોલ્ડ જીત્યો હતો. જયારે મહિલા ડબલ્સ અને મિકસ ડબલ્સમાં કાંસ્ય મળ્યા હતા.   મુકકેબાજીમાં ભારતે 9 ચંદ્રક જીતીને વર્ચસ્વ જમાવ્યું હતું. જેમાં 3 ગોલ્ડ, 3 સિલ્વર અને 3 બ્રોન્ઝ મેડલ રહયા હતા. મેરિકોમનો ગોલ્ડ ખાસ બની રહયો હતો. જયારે એથ્લેટિકસમાં નિરજ ચોપરાએ જ્વેલિયન થ્રોમાં ગોલ્ડ જીતીને ઇતિહાસ રચ્યો હતો. તો સીમા પૂણિયા અને નવદીપ ધિલ્લોને રજત અને કાંસ્ય ચંદ્રક ચ્રક ફેંકમાં જીત્યા હતા.    

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer