રેરાનું કાર્યક્ષેત્ર સેલ રજિસ્ટ્રેશન પૂરતું મર્યાદિત છે!

 રિડેવલપમેન્ટ સંબંધી પ્રોપર્ટીમાં કોઇ મદદ ન મળી શકે 
મુંબઈ, તા. 15 : રિડેવલપમેન્ટ પ્રોપર્ટી પોતાના સત્તાક્ષેત્રમાં ન હોવાની સ્પષ્ટતા રાજ્યના રિયલ ઍસ્ટેટ રેગ્યુલેટરે કરી છે. બાંદરાના એક દુકાનદારની ફરિયાદનો નિકાલ કરતા મહારાષ્ટ્ર રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી અૉથોરિટી (મહારેરા)એ ચુકાદો આપ્યો હતો કે માત્ર વેચાણના ગાળાઓના રજિસ્ટ્રેશન કરવાનું જ તેમના સત્તાક્ષેત્રમાં છે. રિડેવલપમેન્ટ માટે રેરા તરફથી કોઇ મદદ ન મળી શકે.   બાંદરા પશ્ચિમની કોર્નર વ્યૂ કો-અૉપરેટિવ સોસાયટીનું રિડેવલપમેન્ટ થયાં બાદ આ બિલ્ડિંગની તેમની પ્રોપર્ટીના સેલ એગ્રિમેન્ટ અને વ્યાજની રકમ તેમ જ વધારાની ફ્લોર સ્પેસની માગણી સાથે વિમલા કપૂરે અૉથોરિટી સમક્ષ અરજી કરી હતી. સોસાયટીના ગ્રાઉન્ડ ફ્લોરમાં એક દુકાન ધરાવતા કપૂરે નવી બિલ્ડિંગમાં વધારાની જગ્યા અને ફાયદા માટે અરજી કરી હતી.   ડેવલપરે દલિલ કરી હતી કે રિડેવલપ કરાયેલું સંકુલ કે બિલ્ડિંગ મહારેરાના સત્તા ક્ષેત્રમાં ન હોવાથી સેલ એગ્રિમેન્ટનો અમલ થઇ ન શકે. આવા કારણોસર આ મામલો અૉથોરિટીમાં ચલાવી ન શકાય. રેરાના મેમ્બર સતબીર સિંહે આ કેસની સુનાવણી કરી હતી અને અરજીને કાઢી નાખતા નોંધ્યું હતું કે મહારેરા ઍક્ટ 2015ના નિયમો પ્રમાણે સેલ રજિસ્ટ્રેશન જ રેરાના સત્તાક્ષેત્ર અંતર્ગત છે. સેલ રજિસ્ટ્રેશન સંબંધી મામલાના ઉકેલ રેરામાં લાવી શકાય. પરંતુ રેરા ઍક્ટ 2016ની કલમ નંબર 3(2)સી પ્રમાણે રિડેવલપમેન્ટના હેતુસર રિયલ એસ્ટેટ પ્રોજેક્ટનું રજિસ્ટ્રેશન રેરામાં જરૂરી નથી. કપૂરને તેમની અરજી દિવાની કોર્ટમાં કરવાનું સૂચન રેરા અૉથોરિટીએ કર્યું હતું.   રાજ્ય સરકારે સ્લમ રિડેવલપમેન્ટ અૉથોરિટી (એસઆરએ) અને મહારાષ્ટ્ર હાઉસિંગ એન્ડ એરિયા ડેવલપમેન્ટ અૉથેરિટી (મ્હાડા) અંતર્ગતના રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ્સને પણ રેરા અંતર્ગત લાવવાનું નક્કી કર્યું છે. જો કે રેરાના કાયદામાં આ સંબંધી સુધારા માટે અધિકારીઓને હજુ સુધી સરકારી ઠરાવ મળ્યો નથી, એમ રેરાના અધિકારીઓએ કહ્યું હતું.   

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer