ઇન્ફોસિસ મસમોટી રકમે ખરીદેલી બે કંપની શા માટે ઓછી કિંમતે વેચવા માગે છે?

બેંગલૂરુ, તા. 15 : ઇન્ફોસિસના ભૂતપૂર્વ ચૅરમૅન આર. સેશાઈના વડપણ હેઠળ કંપનીના બોર્ડ દ્વારા ગેરરીતિઓ આચરાઈ હોવાના ગત વર્ષે આક્ષેપ કરનારા અનામી વ્હિસલ બ્લોઅરે સિક્યુરિટીસ ઍન્ડ એક્સચેન્જ બોર્ડ અૉફ ઇન્ડિયા (સેબી)ને પત્ર પાઠવ્યો છે અને બોર્ડ પ્રથમ પનાયા અને સ્કાવા ખરીદવા વિશે લીધેલો નિર્ણય અને ત્રણ વર્ષ બાદ  તેમને વેચી દેવાના નિર્ણય વિશે બોર્ડ પાસેથી જવાબની માગણી કરી છે.  ઇન્ફોસિસે શુક્રવારે એવી જાહેરાત કરી હતી કે 2015માં આ બંને કંપનીઓને ખરીદવા માટે તેણે ચૂકવેલા 32 કરોડ ડૉલર કરતાં ખૂબ જ ઓછા મૂલ્યે તેમને વેચી નાખશે. વ્હિસલ બ્લોઅરે ખાસ કરીને બોર્ડના સભ્યો રવિ વેંકટસન, કિરણ મઝુમદાર શૉ, પુનિતા સિંહા અને રૂપા કુડવાને પડકાર્યા છે જેઓ આ કંપનીઓને હસ્તગત કરવાની મંજૂરી આપનારા બોર્ડનો હિસ્સો હતાં.  વ્હિસલ બ્લોઅરે એક અગ્રણી અંગ્રેજી અખબારને તથા સેબી અને અમેરિકાની બજાર નિયામક એસઈસીને પાઠવેલા ઇમેલમાં જણાવ્યું હતું કે નિયામક તરીકે મારી તમને એવી વિનંતી છે કે આ સોદા બદલ જવાબદારી નક્કી કરવા માટે ઇન્ફોસિસના બોર્ડને તમે જણાવો.  કેવળ કિરણ મઝુમદાર શૉએ એવું જણાવીને પ્રતિસાદ આપ્યો હતો કે તેઓ વિદેશમાં છે અને `ગમે તેમ' જવાબ આપી નહીં શકે. આવા બેબુનિયાદ આક્ષેપ કરવા માટે વ્હિસલ બ્લોઅર પાસે જોઇતી સમજ નથી. યોગ્ય માધ્યમો મારફતે હું જવાબ આપીશ.   

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer