પ્લાસ્ટિકબંધીના નિર્ણયનો ક્યાંક વિરોધ તો ક્યાંક આવકાર

મારે ખાખરાનો લઘુ ઉદ્યોગ બંધ કરવો પડશે: ભાઈંદરનાં ગૃહિણીની ચિંતા  ભૂમિકા ભાનુશાલી તરફથી  મુંબઈ, તા. 15 : મહારાષ્ટ્ર સરકારે લીધેલા પ્લાસ્ટિકબંધીના નિર્ણય અંગે વિવિધ ક્ષેત્રના ઉત્પાદકોએ પ્રતિક્રિયા વ્યક્ત કરી હતી. પ્લાસ્ટિકનું ઉત્પાદન, વપરાશ, વેચાણ, આયાત અને નિકાસ બઘું જ ઠપ થઈ જશે. ફેડરેશન અૉફ રિટેલ ટ્રેડર્સ વૅલફેર અસોસિયેશને સરકારના આ પગલાંને ઉતાવળીયું કહ્યું હતું. આ નિર્ણય કે જેને લીધે અનેક ઉદ્યોગો સહિત આમઆદમીને પણ હેરાનગતિ થશે તેને પાછો ખેંચવાની વિનંતિ પણ કરી હતી. આ નિર્ણય બાબતે અમુક નાગરિકોએ આપેલા પ્રત્યાઘાત અહીં પ્રસ્તુત છે.  આકર્ષક પૅકેજિંગ હોય તો જ માલ વેચાય છે  વિદેશમાં ગાર્મેન્ટ્સ નિકાસ કરતી કંપની `વારામા ઓવરસીઝ'ના મેનેજિંગ ડાયરેક્ટર સમીરભાઇ ગોરીએ જણાવ્યું હતું કે માલનું વેચાણ આકર્ષક પેકેજિંગ પર વધારે નિર્ભર કરે છે અને પ્લાસ્ટિક જેવું પૅકેજિંગ અન્ય કોઇ વસ્તુથી ન થઈ શકે. કાગળનું પૅકેજિંગ એ દીર્ઘકાલીન ઉપાય નથી. ઓછા અંતરે એક જગ્યાએથી બીજી જગ્યાએ માલ લઇ જવામાં પ્લાસ્ટિક વગર વાંધો ન પડે પરંતુ લાંબા અંતરે માલ મોકલવો હોય તો જરૂર તકલીફ પડે. ભારે ગુણવત્તાવાળા કપડાનું પૅકેજિંગ પ્લાસ્ટિકમાં જ કરવું પડે નહીં તો તે બગડી જાય. સરકારનો આ નિર્ણય સારો છે પણ પ્લાસ્ટિકનો પર્યાય આપ્યા વગર જલદીમાં લેવાયેલો આ નિર્ણય છે.  પ્લાસ્ટિકનો પર્યાય નહીં મળે તો લઘુ ઉદ્યોગ બંધ કરવા પડશે  ભાઈંદરમાં ખાખરાનો લઘુ ઉદ્યોગ ચલાવતા નીતાબેન સોનીએ ચિંતા વ્યક્ત કરતા કહ્યું હતું કે જ્યારે પ્લાસ્ટિકબંધીના નિર્ણયને સંપૂર્ણપણે લાગુ કરવામાં આવશે ત્યારે આ કામ અમારે બંધ કરવાનો વખત આવશે. ખાખરાને પ્લાસ્ટિક બૅગ સિવાય કાગળ કે કપડામાં પૅક ન કરી શકાય. વરસાદના સમયમાં માલને વેચવામાં પણ તકલીફ પડશે. પી પી પ્લાસ્ટિક બૅગનું રિસાઈકલિંગ થઈ શકે છે તેથી આ થેલી વાપરવાની છૂટ સરકારે આપવી જોઇએ અથવા કોઇ યોગ્ય પર્યાય આપવો જોઇએ.  મોટી કંપનીઓ સાથે બિઝનેસ કરવામાં નાની કંપનીઓને તકલીફ   અંધેરીના રહેવાસી મદનભાઇ પટેલ કેમિકલ્સ અને દવા ભરવા માટે પ્લાસ્ટિકની બૉટલનું ઉત્પાદન કરે છે. તેમણે જણાવ્યું હતું કે બૉટલોના પેકિંગ માટે પ્લાસ્ટિક જ વાપરી શકાય. કાગળમાં બરાબર પૅકિંગ ન થાય. રિસાઈકલિંગ થઈ શકે તેવું પ્લાસ્ટિક વાપરવાની સરકારે મંજૂરી આપવી જોઇએ. પ્લાસ્ટિક પર પ્રતિબંધ આવ્યા બાદ અમારે માલ પૅક કરવા માટે બૉક્સ કે બોરીનો ઉપયોગ કરવો પડશે જેને લીધે વસ્તુની કિંમત વધી જશે અને આમઆદમીને જ સહન કરવું પડશે. અમારે મોટી કંપનીઓ સાથે બિઝનેસ કરવામાં તકલીફ પડશે. કોસ્ટ વધી જશે તો અમારો માલ કોણ લેશે? તેવી ચિંતા તેમણે વ્યક્ત કરી હતી.    પ્લાસ્ટિકબંધીનો નિર્ણય બહુ પહેલાં જ લેવાની જરૂર હતી  બોરીવલીમાં રહેતાં ગૃહિણી મંદાકિનીબેન ઠક્કરે સરકારના આ નિર્ણયને યોગ્ય ઠરાવતા કહ્યું હતું કે પ્લાસ્ટિકબંધીને કારણે રોજિંદા જીવનમાં કોઇ જ ફરક નહીં પડે. શરૂઆતમાં અગવડ પડશે કારણકે પ્લાસ્ટિકને સગવડના રૂપમાં અતિશય સ્વીકારી લીધું છે. પ્લાસ્ટિક પર્યાવરણ માટે હાનિકારક છે, તેને ન વાપરવાની આદત પાડવી જ પડશે. પહેલાં પ્લાસ્ટિક ન હતું ત્યારે પણ બધાં કામ થતાં જ હતાં. મેં પ્લાસ્ટિક ઘણા સમયથી વાપરવાનું બંધ જ કરી દીધું હતું અને પહેલાં જેમ કપડાંની થેલી વાપરવી જોઇએ. પ્લાસ્ટિકની ગંભીર અસર અંગે શિક્ષિત વર્ગે તો લાંબુ વિચારવું જ જોઇએ. સરકારનો આ નિર્ણય યોગ્ય જ છે અને નિર્ણય લેવામાં સરકારે મોડું કર્યું છે. એકવાર પ્લાસ્ટિકબંધી આવી જશે પછી તેનો પર્યાય પણ શોધાઇ જશે જ. જેમનામાં લાંબુ જોવાની દૃષ્ટિ છે તેમણે આ નિર્ણયને સ્વીકારવો જ જોઇએ.  પર્યાય શોધવા માટે સરકારે સમય આપવો જોઇએ  `પ્રોલિફિક 3ડી' કંપનીમાં કામ કરતા એન્જિનિયર જય ભટ્ટે પર્યાવરણ અને સ્વાસ્થ્યની દૃષ્ટિએ આ નિર્ણયને આવકાર્યો છે પણ પ્લાસ્ટિકબંધી લાગુ કરતાં પહેલાં એક કે બે મહિનાનો સમય મળવો જોઇએ જેથી તે દરમિયાન તેનો પર્યાય શોધી શકાય. આમઆદમીની દૃષ્ટિએ સરકારે વિચારવું જોઇએ. અમારી ફેક્ટરીનો માલ પૅક કરવામાં અગવડ પડશે. ફેક્ટરીના કારીગરો માટે અમે સાઉથ ઇન્ડિયન અલ્પાહાર મગાવીએ જે બધું યુટેન્સિલના વાસણમાં લાવવામાં થોડી અડચણ થશે.  તકલીફ પડશે પણ દેશ માટે સહન કરીશું  કેમિકલ્સનો બિઝનેસ કરતા નરેશભાઇ શેઠે સ્પષ્ટપણે આ બાબતે જણાવ્યું હતું કે મારા બિઝનેસમાં નુકસાન થશે જ પણ હું સહન કરીશ. રાષ્ટ્રને, આગળની પેઢીને જે નુકસાન થશે તેનો અંદાજ આપણને નથી. સ્વકેન્દ્રી થઈને વિચાર કરવાને બદલે આપણે પર્યાય શોધવા જોઇએ. આપણી સમસ્યા કરતાં રાષ્ટ્ર અને પર્યાવરણ વધુ મહત્વના છે. આવનારી પેઢીને શુદ્ધ હવા-પાણી આપવા છે કે નહીં ? તે વિશે વિચારવું જોઇએ. તકલીફ જરૂર પડશે પણ દેશ માટે સહન કરીશું.   

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer