પીએનબી કૌભાંડ : બ્રેડી હાઉસ બ્રાન્ચના આઠ અૉડિટર્સને આઇસીએઆઇનું તેડું!

મુંબઈ, તા.15 (પીટીઆઇ) : પંજાબ નૅશનલ બૅન્ક (પીએનબી)ની બ્રેડી હાઉસ બ્રાન્ચના છેલ્લાં પાંચ વર્ષના તમામ  આજી-માજી અૉડિટર્સને ઇન્સ્ટિટયૂટ અૉફ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ્સ અૉફ ઇન્ડિયા (આઇસીએઆઇ)એ નોટિસ ફટકારીને ઇન્સ્ટિટયૂટના ડિસિપ્લીન બૉર્ડ સમક્ષ હાજર થવાનું ફરમાન છોડયું છે. પીએનબીની આ બ્રાન્ચમાં જ નીરવ મોદીને સાંકળતું 13,000  કરોડ રૂપિયાનું કૌભાંડ બહાર આવ્યું હતું.  ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ્સની સર્વોચ્ચ સંસ્થા આઇસીએઆઇએ વર્ષ 2011-12થી વર્ષ 2016-17 દરમિયાન પીએનબીની આ બ્રાન્ચમાં ફરજ બજાવનારા તમામ અૉડિટરોની યાદી તૈયાર કરીને તેમને બૉર્ડ સમક્ષ હાજર રહેવાની તાકીદ કરી છે. બૅન્કોના અૉડિટર્સ આઇસીએઆઇના સભ્ય હોય છે. ઇન્સ્ટિટયૂટના સભ્ય એસ. બી. ઝવારેએ જણાવ્યું હતું કે ઇન્સ્ટિટયૂટે બ્રેડી હાઉસની પીએનબી બ્રાન્ચમાં કામ કરનારા તમામ આઠ અધિકૃત અૉડિટર્સને ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ ઍક્ટ, 1949 અંતર્ગત નોટિસ ફટકારીને ઇન્સ્ટિટયૂટના ડિસિપ્લનરી બૉર્ડ  સમક્ષ ખુલાસો આપવા માટે બોલાવ્યા છે.   

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer