`રાહુલ ગાંધી સિક્રેટ ટૅલેન્ટ હન્ટ'' : કૉંગ્રેસ યુવા નેતાઓની ટીમ બનાવશે

અમદાવાદ, તા. 16 : કૉંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનમાં અધ્યક્ષ રાહુલ ગાંધીએ યુવાનોને પક્ષમાં મહત્ત્વનું સ્થાન અપાશે તેવી ઘોષણા મંચ પરથી કરી હતી. જેના ભાગરૂપે ગુજરાત સહિત દેશભરમાં રાહુલ ગાંધી સિક્રેટ ટૅલેન્ટ હન્ટ થકી યુવાન કૉંગ્રેસ નેતાઓની શોધ કરી રહ્યા છે. આ યુવાન નેતાઓને કૉંગ્રેસ પક્ષની મહત્ત્વની આંતરિક જવાબદારી આપી શકાય તેમ આધારભૂત સૂત્રોથી જાણવા મળી રહ્યું છે. એટલું જ નહીં હાલ ગુજરાતમાં પ્રદેશ પ્રમુખ અને પ્રભારી તરીકે જે ચહેરા સામે આવ્યા છે એ પણ યુવા નેતાઓની શોધના ભાગરૂપે જ સામે આવ્યા છે. આગામી દિવસોમાં ગુજરાતમાં અન્ય યુવાન ચહેરાઓ પક્ષમાં મહત્ત્વની જવાબદારી નિભાવતા જોઈ શકાશે.  ખાસ કરીને લોકસભાની ચૂંટણી અને તેની સાથે સાથે પક્ષના માળખાને મજબૂત બનાવવાના આશય સાથે રાહુલ ગાંધી નવી યુવા ટીમ બનાવવા કવાયત કરી રહ્યા છે. કૉંગ્રેસના સૂત્રોના જણાવ્યા મુજબ, `આ નિર્ણય રાહુલ ગાંધીએ ખુદ લીધો છે. આ રણનીતિના આધારે પક્ષ અલગ અલગ રાજ્યોમાં ફરીથી એકવાર મજબૂત સ્થિતિનું નિર્માણ કરી શકે તેવા પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે.' હાલમાં જ ગુજરાતના મહાનગરોમાં કૉંગ્રેસ પક્ષને મજબૂત કરવા માટે એક શહેરના આગેવાનો અને નેતાઓ સાથેની એક શિબિરનું આયોજન પણ હાથ ધરવામાં આવ્યું હતું. આ પ્રકારની વિવિધ કવાયત સમગ્ર દેશમાં કરવામાં આવી રહી છે અને તેમાં ખાસ કરીને આગામી ચૂંટણીઓને લક્ષ્માં રાખીને આયોજનો કરાઈ રહ્યા છે. કૉંગ્રેસના એક નેતાના જણાવ્યા અનુસાર સિક્રેટ ટૅલેન્ટ હન્ટના માધ્યમથી યુવા નેતાને શોધવાની શરૂઆત થઈ ચૂકી છે. જેમાં પાર્ટીના તમામ નેતા અને પદાધિકારીઓ રાજ્યોની મુલાકાત લેશે જે રાજ્યોમાં કૉંગ્રેસની હાલત નબળી છે. તેમ જ ટૅલેન્ટ સર્ચ માટે જે ટીમ બનાવવામાં આવી છે. તેનાં નામ ગુપ્ત રાખવામાં આવ્યા છે.  આ પ્રોજેક્ટમાં સ્થાનિક નેતાઓને દૂર રખાશે. તેમજ હાલના સંજોગોમાં પક્ષ કેટલાંક નેતાઓ પર ભરોશો મૂકી શકે તેમ છે. તેમાં કર્ણાટકના મુખ્ય પ્રધાન સિદ્ધારમૈયા, પંજાબના મુખ્ય પ્રધાન કેપ્ટન અમરિંદરસિંહ, હિમાચલ પ્રદેશના પૂર્વ મુખ્ય પ્રધાન વીરભદ્રસિંહ, મધ્ય પ્રદેશમાં જ્યોતિરાદિત્ય સિંધિયા  છે.   

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer