અક્ષય તૃતીયાએ જ્વેલરીનું વેચાણ 15-20 ટકા વધવાની આશા

અક્ષય તૃતીયાએ જ્વેલરીનું  વેચાણ 15-20 ટકા વધવાની આશા
માર્કેટનું સેન્ટિમેન્ટ હકારાત્મક બની રહ્યું છે  મુંબઈ, તા. 16 : અક્ષય તૃતીયાના પવિત્ર દિવસે ખાસ તો જ્વેલરીનું વેચાણ 15-20 ટકા વધે એમ બજારના અનુભવી નિષ્ણાતો માને છે, કારણ કે બજારમાં ફરી હકારાત્મક સેન્ટિમેન્ટ જણાઈ રહ્યું છે. સ્થિર ભાવસપાટી અને લગ્નગાળાને જોતાં અક્ષય તૃતીયાના દિવસે જ્વેલરીની ખરીદી વધશે એમ મનાય છે, એમ અૉલ ઇન્ડિયા જેમ ઍન્ડ જ્વેલરી ડોમેસ્ટિક કાઉન્સિલના ચૅરમૅન નીતિન ખંડેલવાલે જણાવ્યું હતું. હાલ સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ રૂા. 30,820 બોલાઈ રહ્યો છે. લગ્નગાળો હોવાથી જ્વેલરીમાં માગ વધતી જાય છે.  ઇન્ડિયન બુલિયન ઍન્ડ જ્વેલર્સ ઍસોસિયેશનના વાઈસ પ્રેસિડન્ટ સૌરભ ગાડગીલે કહ્યું છે કે બજાર તેજી તરફ જઈ રહ્યું છે અને બજાર નીરવ કૌભાંડ પછી ફરી બજાર વૃદ્ધિતરફી જતું જણાઈ રહ્યું છે. અમે ગયા વર્ષ કરતાં 5-10 ટકાની વૃદ્ધિ રહેવાનું માનીએ છીએ. આ વર્ષે લગ્ન માટેની જ્વેલરી ઉપરાંત સિક્કા સાથે નાનામોટા પ્રમાણમાં  સોનામાં ખપત રહ્યા કરશે. લગ્નગાળા માટેની જ્વેલરીનું સારું બુકિંગ થઈ રહ્યું છે અને  અક્ષય તૃતીયાના દિવસે તેની ડિલિવરી અપાશે.  કલ્યાણ જ્વેલર્સના સીએમડી ટી. એસ. કલ્યાણરામને પણ અક્ષય તૃતીયાના દિવસે ગ્રાહકો સોના તરફ પાછા વળતા દેખાશે. માર્કેટનું સેન્ટિમેન્ટ સુધરી રહ્યું છે. આ દિવસ- સિઝન એવા છે કે ગ્રાહકો સોનાની જ્વેલરીની વિશેષ ખરીદી કરતા હોય છે, એમ ડબલ્યુએમપી જ્વેલર્સના ડિરેક્ટર આદિત્ય પીઠેએ કહ્યું હતું. ગ્રાહકોને ફરી વિશ્વાસ બેસી રહ્યાનું જણાય છે. આવા દિવસોમાં લોકો સોનાની જ્વેલરીની વિશેષ ખરીદી કરતા હોય છે.   

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer