કથુઆ ગૅંગરેપ કેસની આજથી સુનાવણી : વકીલને મળી રેપની ધમકી

કથુઆ ગૅંગરેપ કેસની આજથી સુનાવણી : વકીલને મળી રેપની ધમકી
નવી દિલ્હી, તા. 16 : સામૂહિક દુષ્કર્મ પછી 8 વર્ષની બાળકીની હત્યાનાં આઠ આરોપીઓ સામે સોમવારથી કેસ શરૂ થશે. બીજી બાજુ બાળકીના પરિવારજનો તરફથી લડી રહેલી વકીલ દીપિકા એસ. રાજાવતે પણ ધમકીઓ મળ્યાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું છે કે, મને નથી ખબર હું ક્યાં સુધી જીવતી રહીશ. મારી સાથે દુષ્કર્મ પણ થઈ શકે છે અને મારી હત્યા પણ થઈ શકે છે. મને ગઈ કાલે જ ધમકી મળી હતી કે તને માફ નહીં કરીએ. તેમણે કહ્યું છે કે, તેઓ સોમવારે સુપ્રીમ કોર્ટને જણાવશે કે તેને જીવનું જોખમ છે.   રાજાવતે આગળ કહ્યું કે, બાર ઍસોસિયેશનના વકીલે મને એકલી પાડી દીધી છે. કોર્ટમાં પ્રેક્ટિસ કરવાથી પણ મને રોકવામાં આવી રહી છે. મને નથી ખબર કે આગળ  શું થશે. મુસ્લિમ છોકરી માટે ઈન્સાફની લડાઈ લડતી હોવાથી મને હિન્દુવિરોધી કહેવામાં આવી રહી છે. મને સમાજમાંથી બહાર કાઢવાની વાતો પણ કરવામાં આવી રહી છે.   બાર કાઉન્સિલ અૉફ ઇન્ડિયા (બીસીઆઈ)એ કહ્યું છે કે, વકીલો સાથે જોડાયેલા વિવાદની તપાસ માટે કાઉન્સિલની એક પેનલ બનાવવામાં આવી છે. જમ્મુ-કાશ્મીર બાર ઍસોસિયેશનના વકીલો પર આરોપીઓને સપોર્ટ કરવાનો આરોપ છે. તેમણે 10 એપ્રિલે પોલીસને ચાર્જશીટ રજૂ કરતા રોક્યા હતા.  આ સંવેદનશીલ કેસમાં હિન્દુ-મુસ્લિમના જાતિવાદના કારણે મહેબુબા સરકારે સરકારી વકીલ તરીકે સિખ સમુદાયના બે સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યૂટરની નિમણૂક કરી છે.   

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer