`ચિત્કાર'' ફિલ્મના મુંબઈમાં યોજાયેલા પ્રીમિયરને મળ્યો ભવ્ય પ્રતિસાદ

`ચિત્કાર'' ફિલ્મના મુંબઈમાં યોજાયેલા પ્રીમિયરને મળ્યો ભવ્ય પ્રતિસાદ
 
ગુરુવારે યોજાયેલા આ શોમાં `યંગ જનરેશન' અને બાળકો વાલીઓ સાથે ઊમટી પડયાં
 
મુંબઈ, તા. 19 : ખૂબ જ જાણીતા અને લોકપ્રિય કલાકાર-કસબીઓ સાથેની બૉલીવૂડની હિન્દી ફિલ્મ હોય તો તેનો મોટાપાયે પ્રિમિયર યોજાતો હોય છે. અગાઉ પ્રિમિયરમાં બધા જ કલાકારો પણ હાજર રહેતા હતા અને એ પ્રિમિયરમાં હાજર રહેવું એ પણ એક `સ્ટેટસ સિમ્બોલ' ગણાતું હતું.
પ્રિમિયર ફિલ્મ રિલીઝ થવાના આગલા દિવસે યોજાય છે. લોકો બધા કરતાં એ ફિલ્મ એક દિવસ વહેલી જોવા માટે હોંશે-હોંશે પહોંચી જાય છે.
પણ કોઈ ગુજરાતી ફિલ્મનો પ્રિમિયર યોજાયો હોય એવું હાલમાં જ થયું છે. બૉલીવૂડની ફિલ્મોમાં અનેરી નામના ધરાવનારા જયંતિલાલ ગડા (પેન ઇન્ડિયા લિ.) અને નિર્માતા-દિગ્દર્શક લતેશ શાહે તેમની આગામી ફિલ્મ `ચિત્કાર'નો પ્રિમિયર ગુરુવારે એટલે કે ફિલ્મ રિલીઝ થવાના આગલે દિવસે યોજ્યો અને તેને ભવ્ય પ્રતિસાદ મળ્યો હતો.
`ચિત્કાર' ફિલ્મ ગુજરાતી તખ્તા ઉપર સતત 25 વર્ષ સુધી ભજવાયેલા ગુજરાતી નાટક પરથી જ બનાવવામાં આવી છે, જે સત્ય ઘટના પર આધારિત છે. આ નાટકને જોનારા દર્શકો અને જેમણે આ નાટક જોયું નથી એવા યંગ જનરેશન તેમ જ બાળકો પોતાના વાલીઓ સાથે આ ગુજરાતી ફિલ્મ જોવા ઉમટી પડયા હતા અને એ ફિલ્મ લોકોને ખૂબ જ ગમી હતી.
મુંબઈમાં યોજાયેલા આ પ્રિમિયરમાં 100 ટકા હાજરી નોંધાઈ હતી, જે અનેરો વિક્રમ છે એમ કહી શકાય. ગુજરાતી ફિલ્મ અને તેનો પ્રિમિયર મુંબઈમાં યોજાય અને તેને મળેલા આટલા ભવ્ય પ્રતિસાદથી ફિલ્મ સાથે સંકળાયેલા કલાકાર-કસબીઓમાં અનેરો ઉત્સાહ વ્યાપી ગયો છે.
આજે ગુજરાત, મુંબઈ, કોલકાતા, લંડન, અમેરિકા અને આફ્રિકામાં એક સાથે રજૂ થઈ રહેલી આ સાયકો-થ્રીલર ફિલ્મની કથા-પટકથા-સંવાદ અને નિર્માણની જવાબદારી લતેશ શાહે સંભાળી છે અને તેમને પેન સ્ટુડિયોના યુવા નિર્માતા ધવલ જયંતિલાલ ગડા અને અક્ષય જયંતિલાલ ગડાનો સાથ મળ્યો છે. ફિલ્મનાં મુખ્ય કલાકારોમાં સુજાતા મહેતા, હિતેનકુમાર, દીપક ઘીવાલા, છાયા વોરા અને લતેશ શાહ છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer