કિંગ્સ ઇલેવન પંજાબ સામે સનરાઇઝર્સ હૈદરાબાદનો પરાભવ

કિંગ્સ ઇલેવન પંજાબ સામે સનરાઇઝર્સ હૈદરાબાદનો પરાભવ
 
અમારા પ્રતિનિધિ તરફથી
મોહાલી, તા. 19 : ઇન્ડિયન પ્રીમિયર લીગની મોહાલીમાં રમાયેલી મૅચમાં કિંગ્સ ઇલેવન પંજાબે આજે સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમને 15 રનથી હાર આપી હતી. કિંગ્સ ઇલેવન પંજાબે વિજય માટે મૂકેલા 193 રનના લક્ષ્યના જવાબમાં સરરાઇઝર્સ હૈદરાબાદ નિર્ધારિત 20 ઓવરમાં ચાર વિકેટના ભોગે માત્ર 178 રન કરી શકી હતી.
અગાઉ કિંગ્સ ઇલેવન પંજાબે ટોસ જીતીને બેટિંગ પસંદ કરી હતી. આઇપીએલની 11મી સિઝનમાં કોઇ ટીમે ટોસ જીતીને બેટિંગની પસંદગી કરી હોય તેવું આજે પહેલીવાર બન્યું હતું.
પંજાબ વતી પ્રભાવશાળી પ્રદર્શન કરતાં છેલ્લા દડા સુધી ક્રીઝ પર ટકી રહેલા ક્રિસ ગેલે 63 દડામાં 11 છગ્ગા-એક ચોગ્ગા સાથે 104 રન ઝૂડી દીધા હતા.
વિસ્ફોટક સદી કરનાર ક્રિસે કૌવત ફરી પુરવાર કરતાં 15મી ઓવરમાં લગાતાર ચાર છગ્ગા ફટકારીને રાશિદની બોલિંગ ધોઇ નાખી હતી અને દર્શકોને ભરપૂર મનોરંજન પૂરું પાડયું હતું.
ગેલની ધુંઆધાર ફટકાબાજીની મદદથી પંજાબે 20 ઓવરમાં 3 વિકેટે 193 રન કર્યા હતા. નાયરે 21 દડામાં ત્રણ ચોગ્ગા, એક છગ્ગા સાથે 31 રન કર્યા હતા.
અગરવાલે નવ દડામાં બે ચોગ્ગા, એક છગ્ગા સાથે 18, અણનમ રહેલા ફિન્ચે છ દડામાં એક ચોગ્ગા, એક છગ્ગા સાથે 14 રન કર્યા હતા.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer