ચાંદીના ભાવમાં ઝડપી સુધારો, સોનું મજબૂત

ચાંદીના ભાવમાં ઝડપી સુધારો, સોનું મજબૂત

અમારા પ્રતિનિધિ તરફથી
રાજકોટ, તા. 19 : ડૉલરની તેજીને કારણે સોનાના ભાવમાં ઘટાડો આવ્યો હતો. જોકે ઘટાડો ક્ષણિક નીવડતા ભાવ પૂર્વવત્ 1350 ડૉલરની સપાટીએ પહોંચી ગયા હતા. ઇન્ટ્રા ડેમાં સોનું 1345 અને 1355 ડૉલરની રેન્જમાં અથડાયું હતુ. સતત ચાર દિવસથી સોનું વધી રહ્યું હતું તેમાં થોડી નફારૂપી વેચવાલી જોવા મળી હતી. અલબત્ત હજુ ભૂરાજકીય કટોકટીનો સમય પૂરો થયો નથી એટલે સોનામાં લેવાલી રહેશે તેમ અભ્યાસુઓ માને છે. 
એબીએન એમરોના સ્ટ્રેટેજિસ્ટ જ્યોર્ગેટ બોઇલ કહે છે, અનિશ્ચિતતાનો માહોલ થોડો હળવો થયો છે. જોકે ભૂરાજકીય ચિંતા અને વ્યાપાર યુદ્ધનો મુદ્દો હજુ દૂર નથી થયો,પરંતુ શાંત થયો છે એટલે સોનામાં વેચવાલીરૂપી ઘટાડાના આંચકા આવ્યા કરે છે. ઉત્તર કોરિયા અને અમેરિકા વચ્ચેની સમિટ સફળ જાય તો સોનામાં ઘટાડાની શક્યતા વધશે. અમેરિકા દ્વારા સીરિયામાં સફળ હુમલા પૂર્ણ થઇ ચૂક્યા છે એટલે હવે ચિંતા ઓછી છે. છતાં સોનાનો ભાવ 1330 ડૉલરથી નીચે જાય તેવી શક્યતા નથી. એ પહેલા કદાચ 1365 સુધી જઇ શકે છે. 1365 ઉપર 1400 સુધીની તેજીનો માર્ગ મોકળો થશે.
ટ્રમ્પની વહીવટી કચેરીએ જણાવ્યું હતું કે ટ્રમ્પ રશિયા સામે વધારાના આકરાં પગલાં લેવામાં વિલંબ કરી રહ્યા છે, તે કારણે પણ સોનામાં તેજી અટકી છે.  દરમિયાન રાજકોટની ઝવેરી બજારમાં 24 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ રૂા. 32,350ની સપાટીએ ટકેલો રહ્યો હતો. ચાંદી ન્યૂ યોર્કમાં 17.23 ડૉલર હતી. સ્થાનિક બજારમાં એક કિલોએ રૂા. 400 વધીને રૂા. 40,500 બોલાતી હતી. મુંબઇ સોનું રૂા. 35 ઘટતા રૂા. 31,405 હતું. ચાંદી કિલોએ રૂા. 595 ઊંચકાઇ જતા રૂા. 40,160 હતી.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer