મોતી, કીમતી નંગની આયાતમાં ભારે ઉછાળો

મોતી, કીમતી નંગની આયાતમાં ભારે ઉછાળો

મુંબઈ, તા. 19 : પીએનબી કૌભાંડ બાદ હીરા ઉદ્યોજકો નીરવ મોદી અને મેહુલ ચોકસી ફરાર થવાના અને તેના અનુસંધાનમાં થતી ઘટનાઓના સમાચારોથી પ્રસાર માધ્યમોને ભલે ``ખાદ્ય પદાર્થ'' મળ્યો હશે પણ આ ઘટનાની ગંભીર અસર હવે બહાર આવી રહી છે. તેમાં ભારતની મૂડીની સતત થઈ રહેલી `િનકાસ' કીમતી નંગ હીરા અને મોતીની મોટા પ્રમાણમાં થઈ રહેલી આયાત ઉપરથી સ્પષ્ટ બની છે.
કીમતી નંગ અને મોતીઓની આયાતમાં અચાનક આવેલા ઉછાળાથી દેશની મૂડી વિદેશમાં મોટા પ્રમાણમાં જઈ રહી હોવાની ચેતવણી ક્રેડિટ સૂઈસ એજીના  સમીક્ષકોએ આપી છે.
ગયા માર્ચ મહિનામાં મોતી, કીમતી નંગ અને નકલી હીરાની આયાત 3.03 અબજ ડૉલરની રહી હતી, જે તેના પાછલા માસની તુલનાએ 17 ટકાનો વધારો સૂચવતા હોવાનું વાણિજ્ય મંત્રાલયે જણાવ્યું હતું.
તેની તુલનાએ હીરા અને ઝવેરાતની નિકાસ આ સમયગાળામાં તેટલી જ ઘટી હતી. પરિણામે એકંદર નિકાસ ઉપર તેની માઠી અસર પડવાથી દેશની વેપાર ખાધ વધી છે.
કીમતી નંગની આયાત હવે ચિંતાજનક રીતે વધી રહી છે, ખાસ કરીને ઝવેરાતની નિકાસ ઘટી જવાની સામે તેની આયાત વધતાં આ બાબત ગંભીર છે, એમ સમીક્ષકો નીલકંઠ મિશ્રા અને પ્રતીક સિંહે તેમના એક અહેવાલમાં જણાવ્યું છે.
વેપાર ખાધમાં 12 મહિનાનો તફાવત હવે 157 અબજ ડૉલરનો થયો છે જે સપ્ટેમ્બર 2016માં જોવા મળેલી વેપાર ખાધથી 63 અબજ ડૉલર વધારે છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer