શૅરબજારોમાં ખરીદી પાછી ફરી

શૅરબજારોમાં ખરીદી પાછી ફરી

રશિયા પર આર્થિક પ્રતિબંધોથી મેટલ શૅર્સમાં ઉછાળો
 
વાણિજ્ય પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 19 : શૅરબજાર આજે પુન: સુધારાના પંથે હતું. ગઈકાલના ઘટાડા પછી એનએસઈમાં નિફ્ટી શરૂઆતથી જ સકારાત્ક રહ્યા પછી ટ્રેડિંગ અંતે 39 પોઇન્ટ વધીને 10565ના સ્તરે બંધ રહ્યો હતો. જ્યારે બીએસઈ ખાતે સેન્સેક્ષ 95 પોઇન્ટ વધીને 34427 બંધ હતો. આજના સુધારામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા મેટલ ઇન્ડેક્સ અને આઈટી શૅરોના ઉછાળાની રહી હતી. અમેરિકાએ રશિયા ઉપર આર્થિક પ્રતિબંધ લાદવાને કારણે હિન્દાલ્કો, વેદાન્ત, તાતા સ્ટીલ, નેલ્કોના ભાવ ઉછળી ગયા છે. ટીસીએસના પરિણામની સકારાત્મકતાની આશાએ આઈટીમાં સુધારો જોવા મળ્યો હતો. તાતા સ્ટીલ રૂા. 22 વધીને (3.4 ટકા) રૂા. 622ની ટોચે, વેદાન્તા 7 ટકા ઉછળીને રૂા. 311 અને નેલ્કો રૂા. 7 વધીને રૂા. 87ના સ્તરે બંધ થયો હતો.
વૈશ્વિક બજારોમાં તમામ કોમોડિટી સાથે મેટલના ભાવ તેની આગળ વધવાના આશાવાદે વધ્યા હતા. પરંતુ ક્રૂડતેલના ભાવ મેટલ ઉત્પાદનની પડતર વધારતા માર્જિન પર દબાણ આવશે જેથી શૅરમાં રોકાણમાં સાવધતા રાખવી જરૂરી હોવાનું અનુભવીઓ માને છે. આજે બ્રેન્ટક્રૂડ 74 ડૉલરને પાર કરવાથી એચપીસીએલ, બીપીસીએલ અને આઈઓસીમાં કડાકાને લીધે આ શૅરોનો ભાવ 4થી 7 ટકા તૂટયો હતો. જેની સામે દેશના ક્રૂડતેલ ગૅસ ઉત્પાદકોનો નફો વધવાની સંભાવનાથી અૉઇલ ઇન્ડિયા, અબાન અૉફશોર, જીંદાલ ડ્રીલીંગના ભાવ વધ્યા હતા. ઓએનજીસી પણ સુધર્યો હતો.
એનલિસ્ટોના અનુમાન પ્રમાણે શૅરબજારમાં ટેકનિકલી 10490ના ટેકા સાથે 10700 ટોચ આવી શકે છે. વ્યક્તિગત શૅર્સમાં એસીસી રૂા. 1629ની ટોચેથી (નફા તારવણી વધવાથી) ઘટીને રૂા. 1571ના સ્તરે બંધ રહ્યો હતો. અલ્ટ્રાટેક સિમેન્ટ અને અંબુજા અનુક્રમે 2.8 અને 0.9 ટકા સુધર્યા હતા. જ્યારે ઇન્ડસઇન્ડ આજે સતત 0.6 ટકા ઘટીને રૂા. 1832ના સ્તરે બંધ થયો હતો. આ બૅન્કનું ત્રિમાસિક પરિણામ અપેક્ષાથી ઊણું ઉતરવાને લીધે શૅર તૂટતો ગયો છે. આજે ટીસીએસનો ભાવ 1 ટકા સુધારે રૂા. 3191 બંધ હતો. નિફ્ટી મેટલ 4.5 ટકા, આઈટી 1 ટકા અને એફએમસીજી ઇન્ડેક્સ 0.56 ટકા સુધર્યો હતો.
બીએસઈ ખાતે સેન્સેક્ષમાં આજે 16 શૅર સુધરવા સામે 14ના ભાવ ઘટયા હતા. જ્યારે એનએસઈ ખાતે નિફ્ટીના 30 શૅરોમાંથી 30 સુધરવા સામે 20 ઘટાડે હતા. એનએસઈ ખાતે કુલ 859 શૅર વધવા સાથે 673 શૅર ઘટયા હતા.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer