ટીસીએસનો નફો વધીને રૂા. 69.04 અબજ થયો

ટીસીએસનો નફો વધીને રૂા. 69.04 અબજ થયો

1:1 બોનસ શૅર આપવા બોર્ડની મંજૂરી
 
મુંબઈ, તા. 19 : આઈટી ક્ષેત્રની અગ્રણી કંપની તાતા કન્સલટન્સી સર્વિસીસ (ટીસીએસ) લિ.નો માર્ચ અંતના ત્રિમાસિક ગાળામાં ચોખ્ખો નફો છ ટકા જેટલો વધીને રૂા.69.04 અબજનો થયો છે, ડિસેમ્બર અંતના ત્રિમાસિક ગાળામાં કંપનીનો ચોખ્ખો નફો રૂા.65.31 અબજ રહ્યો હતો. 
વાર્ષિક ધોરણે કંપનીનો ચોખ્ખો નફો 4.4 ટકા વધીને રૂા.66.08 અબજનો થયો હતો, જ્યારે રૂા.320.75 અબજની આવકમાં વાર્ષિક ધોરણે આઠ ટકાનો અને ત્રિમાસિક ધોરણે 3.8 ટકાનો વધારો થયો છે. નાણાકીય વર્ષ-18માં ચોખ્ખો નફો 1.7 ટકા ઘટીને રૂા.258.26 અબજનો થયો હતો. જોકે, આવક 4.3 ટકા વધીને  રૂા.  1.23 લાખ કરોડની થઈ હતી. કંપનીના બોર્ડે 1:1 બોનસ શૅરના ઈસ્યૂની મંજૂરી આપી છે, તેમ જ પ્રતિ શૅર રૂા.29ના ડિવિડંડની પણ જાહેરાત કરી છે. 
`ડૉલરની દૃષ્ટિએ અમારી આવક બે આંકડામાં થતાં અમે ખુશ છીએ, યુકેમાં વાર્ષિક ધોરણે 10 ટકાથી પણ વધુની વૃદ્ધિ થઈ હતી, એમ કંપનીના સીઈઓ અને એમડી રાજેશ ગોપીનાથને જણાવ્યું હતું. ગુરુવારે ટીસીએસનો શૅર બીએસઈમાં 0.99 ટકા વધીને રૂા.3,190.65 ઉપર બંધ રહ્યો હતો.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer