પ્રૉપર્ટી ટૅક્સ વહેલા ચૂકવનારાઓને છૂટછાટની જાહેરાત, પણ હજી બિલ જ મળ્યાં નથી

 
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 19 : મુંબઈ પાલિકાએ નાગરિકો સમયસર પ્રૉપર્ટી ટૅક્સની ચૂકવણી કરે એ માટે કેટલાંક પ્રોત્સાહનો જાહેર કર્યાં છે. આગામી 30મી જૂન સુધીમાં પ્રૉપર્ટી ટૅક્સ ભરી દેનારાઓને ચાર ટકા છૂટ આપવાની જાહેરાત પાલિકાએ કરી છે. જોકે, પાલિકાએ હજી સુધી પ્રૉપર્ટી ટૅક્સનાં બિલ નાગરિકોને મોકલ્યાં જ નથી. તેથી બિલ જ ન હોય તો પ્રૉપર્ટી ટૅક્સની ચુકવણી કરવી કેવી રીતે એ પ્રશ્ન નાગરિકો સમક્ષ ઊભો થયો છે.
બીજી તરફ મુંબઈમાંના 700 ચો. ફૂટ સુધીનાં ઘરોને પ્રૉપર્ટી ટૅક્સમાંથી મુક્તિ આપવાની જાહેરાત મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કરી છે. આમ છતાં પાલિકાએ આ અંગે હજી કોઈ વલણ લીધું નથી. તેથી તે અંગે સંભ્રમ પ્રવર્તે છે.
પ્રૉપર્ટી ટૅક્સમાં છૂટછાટનો લાભ નાણાકીય વર્ષ 2015-16માં 75,651 સ્થાવર મિલકતમાલિકોએ લીધો હતો. તેમાં સ્થાવર મિલકતમાલિકોએ નિયોજિત સમય પૂર્વે 439.07 કરોડ રૂપિયા પાલિકાની તિજોરીમાં જમા કર્યા હતા.
નાણાકીય વર્ષ 2016-17માં અને 2017-18માં અનુક્રમે 89,000 અને 1,08,099 સ્થાવર મિલકતમાલિકોએ આ યોજનાનો લાભ લીધો હતો. તેમાં અનુક્રમે 1,000 કરોડ અને 685.14 કરોડ રૂપિયા જેટલી રકમ પ્રૉપર્ટી ટૅક્સ પેટે જમા કરાવવામાં આવી હતી.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer