આધારકાર્ડ-રૅશનકાર્ડ લિન્ક નહીં થવાને કારણે 21 લાખથી વધુ લોકોને રૅશન મળતું નથી : નિરૂપમ

 
મુંબઈ, તા. 19 (પીટીઆઈ) : રૅશનકાર્ડ અને આધારકાર્ડને લિન્ક કરવામાં આવ્યા નહીં હોવાથી અને તેને લિન્ક કરવામાં નડતી સમસ્યાને કારણે મુંબઈમાં 21 લાખ કરતાં પણ વધારે પાત્ર નાગરિકોને રૅશનની દુકાનમાં અનાજ મળતું નથી, એમ કૉંગ્રેસના મુંબઈ એકમના વડા સંજય નિરૂપમે જણાવ્યું છે.
નિરૂપમે પત્રકારોને જણાવ્યું હતું કે સરકારની સાઈટ ઉપરથી મેં મુંબઈમાં રૅશનકાર્ડ અંગેની સ્થિતિની જાણકારી મેળવી છે. તેમાં જણાવ્યા અનુસાર 54 લાખ રૅશનકાર્ડધારકોમાંથી માત્ર 32 લાખ લોકોને જ રૅશનની 4200 દુકાનોમાંથી અનાજ મળે છે. આ બાબત સર્વોચ્ચ અદાલતની માર્ગદર્શિકાથી તદ્દન વિરુદ્ધ છે. સર્વોચ્ચ અદાલતે સરકારને આદેશ આપ્યો છે કે રૅશનની દુકાનોમાંથી અનાજ મેળવવા માટે આધારકાર્ડ અને રૅશનકાર્ડને લિન્ક કરવાનું ફરજિયાત રાખવું નહીં. રૅશનની દુકાનોમાં ઈલેક્ટ્રોનિક પોઈન્ટ અૉફ સેલ મશીન્સ યોગ્ય રીતે કામ કરતા નથી. ધીમા ચાલતા ટુ-જી ઈન્ટરનેટને કારણે આ દુકાનોમાં અવ્યવસ્થા જેવી સ્થિતિ સર્જાય છે.
રૅશનની દુકાનોમાં લોકો બેથી ત્રણ કલાક ઊભા રહે છે, પણ આધારકાર્ડના ડેટા અને તેમના આંગળાની છાપ મળતી નહીં હોવાથી તેઓને ખાલી હાથે પાછું ફરવું પડે છે, એમ નિરૂપમે ઉમેર્યું હતું.
આ પત્રકાર પરિષદમાં અમુક રૅશનકાર્ડધારકોએ પોતાના અનુભવ રજૂ કર્યા હતા.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer