વૈશ્વિક દેવું 16 હજાર અબજ ડૉલર !


બીજા વિશ્વ યુદ્ધ પછી વિક્રમી સ્તરે : વિશ્વના જીડીપીના 225 ટકા થાય છે
 
નવી દિલ્હી, તા. 19 : આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળે જણાવ્યું છે કે 2016માં વૈશ્વિક દેવું 16 હજાર અબજ ડોલરની વિક્રમી ઊંચી સપાટી પર પહોંચી ગયું છે, જે વિશ્વના સમગ્ર ઘરેલુ ઉત્પાદન (જીડીપી)ના 225 ટકા જેટલું થાય છે.
છેલ્લા એક દાયકામાં મહત્તમ દેવું ઉન્નત અર્થવ્યવસ્થાઓ પાસે છે અને દેવામાં આ વિક્રમસર્જક વધારો થવા માટે ઉભરતી અર્થવ્યવસ્થાઓ જવાબદાર છે, તેવું આંતરરાષ્ટ્રીય નાણાંભંડોળ (આઈએમએફ)ના રાજકોશિય મામલાઓના નિર્દેશક વિટોર ગેસ્પરે જણાવ્યું હતું.
ગેસ્પરે દેશોને વધતા જોખમ વચ્ચે જાહેર નાણાંકીય હાલત મજબૂત થાય તેવા પગલાં ભરવાનું સૂચન કર્યું છે. 2007 બાદ દેવાના વધારામાં એકલા ચીનનો 43 ટકા જેટલો જંગી બોજ છે.
આઈએમએફના અધિકારીએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે વિકસિત અને વિકાસશીલ અર્થતંત્રોનું સાર્વજનિક ઋણ અત્યારે ઐતિહાસિક ઊંચાઈ પર છે. વિકસિત અર્થવ્યવસ્થાઓનું દેવું જીડીપીના 105 ટકાથી વધારે છે. આટલી ઊંચી સપાટી બીજા વિશ્વયુદ્ધ પછી અત્યાર સુધી નથી જોવા મળી.
દેશોએ એવી નીતિનો આગળ વધારવી જોઈએ, જે આર્થિક ઉતાર-ચડાવ તેમજ સાર્વજનિક દેવાને ઓછું કરતી પરિસ્થિતિને પ્રોત્સાહન આપે તેવું તેમણે ઉમેર્યું હતું.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer