વિના વાંકે ગ્રાહકોના ગુસ્સાનો ભોગ બની રહ્યા છે : બૅન્ક યુનિયન


નવી દિલ્હી/વડોદરા, તા. 19 : બેંકો અને એટીએમ મશીનોમાં રોકડની કટોકટી વધુ ગંભીર બની રહી છે ત્યારે હવે લોકોના સ્ટાફે રાષ્ટ્રવ્યાપી હડતાળની ચીમકી પણ આપી દીધી છે. જો કે સરકારે વધુ એક વાર સધિયારો આપીને કહ્યું હતું કે પ્રિન્ટિંગ પ્રેસોમાં 24 કલાક સતત કામ ચાલુ છે અને રૂા. 500 તથા રૂા. 200ની નોટોનું છાપકામ કરવામાં આવી રહ્યું છે.
વડોદરાથી હેવાલ મુજબ આ રોકડ કટોકટીની લીધે લોકોના ગુસ્સાને બેંકોનો સ્ટાફ સહન કરી રહ્યો છે. આ સ્થિતિને માટે સરકાર અને આરબીઆઈને જવાબદાર ઠરાવતા અખિલ ભારતીય બેંક કર્મચારી એસોસિયેશન (એઆઈબીઈએ) આજે હડતાળ અને વિરોધ કરવાની ધમકી ઉચ્ચારી હતી.
એસોસિયેશનના જનરલ સેક્રેટરી સી.એમ. વેંકટારામે કહ્યું હતું કે સરકારે અને રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ સર્જેલી સમસ્યાનો ભોગ બેંક કર્મચારીઓ બની રહ્યા છે. તેમણે પીટીઆઈને ફોન પર જણાવ્યું હતું કે `ગ્રાહકો અમારા પર રાડો પાડી રહ્યા છે અને વાંક નથી છતાં બેંક કર્મચારીઓને અપશબ્દોનો ભોગ બનવું પડી રહ્યું છે. માત્ર નિવેદનોથી નહીં થાય, ચલણનો પુરવઠો વધારવા માટે સુદૃઢ અને તાત્કાલિક પગલાંની જરૂર છે.
ત્વરિત પગલાં નહીં લેવાય તો તેમણે રાષ્ટ્રવ્યાપી હડતાળની ધમકી આપી હતી. જો કે તે માટે આ બાબતનો સમય સુનિશ્ચિત નહોતો કર્યો.
દરમ્યાન સરકારે આજે જણાવ્યું હતું કે અંદાજે રૂા. 70,000 કરોડના ચલણની અછત નિવારવા કંઈ સંકલન વિના રૂા. 500 અને રૂા. 200ની નોટો છાપી રહી છે. માત્ર 3-4 કલાકની રિસેસ સિવાય સિક્યોરિટી પ્રિન્ટિંગ એન્ડ મીન્ટિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિ.ના ચારેય પ્રેસ સરેરાશ દરરોજ 18થી 19 કલાક સતત નોટો છાપી રહ્યા છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer