સર્જિકલ સ્ટ્રાઈકની ભારતે જાણ કરી હોવાનો દાવો પાકિસ્તાને નકાર્યો

 
ઈસ્લામાબાદ, તા. 19 : કોમનવેલ્થ સમિટમાં ભાગ લેવા લંડન પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીયો સાથે ભારત કી બાત સબકે સાથ કાર્યક્રમ દરમિયાન પાકિસ્તાન ઉપર સર્જીકલ સ્ટ્રાઈકનો ઉલ્લેખ કર્યો હતો. જેમાં કહેવામાં આવ્યું હતું કે, સર્જીકલ સ્ટ્રાઈક સાર્વજનિક કરતા પહેલા પાકિસ્તાનને સુચના આપવામાં આવી હતી. જો કે પાકિસ્તાને  સુચના મળી હોવાના દાવાને ફગાવ્યો હતો. પાકિસ્તાની વિદેશ મંત્રાલયે ફરી એકવખત સર્જીકલ સ્ટ્રાઈકનો દાવો જ ખોટો હોવાનું કહ્યું હતું.
મોદીએ કાર્યક્રમ દરમિયાન એક નિવેદનમાં કહ્યું હતું કે, સર્જીકલ સ્ટ્રાઈકના સમાચારને સાર્વજનિક કરતા પહેલા પાકિસ્તાની સરકારનો સંપર્ક કરવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. જેથી ઓપરેશનની જાણકારી આપી શકાય. પાકિસ્તાન સર્જીકલ સ્ટ્રાઈક બાદ મૃતદેહોને લઈ જઈ શકે તે માટે સુચના આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. ભારત સર્જીકલ સ્ટ્રાઈકની જાણ કરવા માટે આતુર હતું. પરંતુ પાકિસ્તાન જવાબ આપવા માટે ડરી રહ્યું હતું. બીજી તરફ પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે ભારત તરફથી સર્જીકલ સ્ટ્રાઈકની જાણકારી માટેનો કોઈ સંપર્ક થયો હોવાની વાતને ફગાવી હતી. આ ઉપરાંત સર્જીકલ સ્ટ્રાઈકના દાવાને પણ વધુ એક વખત નકાર્યો હતો. પાક. વિદેશ મંત્રાલયના પ્રવક્તા મોહમ્મદ ફૈઝલે કહ્યું હતું કે, અસત્યનું વારંવાર રટણ કરવાથી તે સત્ય નથી બની જતું. આ સાથે ભારત પાકિસ્તાનમાં આતંકવાદીઓને સમર્થન આપવાનો પણ આરોપ ઘડી કાઢ્યો હતો.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer