પુરુષ કૉન્સ્ટેબલ કાંબળે વિરુદ્ધ ગુનો નોંધાયો


કોર્ટના પ્રાંગણમાં મહિલા કૉન્સ્ટેબલ અને પુરુષ કૉન્સ્ટેબલ વચ્ચે મારામારી
 
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 19 : નવી મુંબઈની મહિલા કૉન્સ્ટેબલ (33)ના મારામારી દ્વારા વિનયભંગ બદલ થાણે નગર પોલીસે કૉન્સ્ટેબલ કિરણ કાંબળે (41) વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.
ગત મંગળવારે નવી મુંબઈ પોલીસની વાન આરોપીઓને લઈને થાણે કોર્ટમાં સુનાવણી માટે પહોંચી હતી. સુનાવણી બાદ આરોપી તરસ્યો હોવાથી તેણે પાણી માગ્યું હતું. તેથી મહિલા કૉન્સ્ટેબલે કાંબલેને આરોપીની હાથકડી કાઢવાનું કહ્યું હતું. તે સમયે કાંબળે ચા પીતો હતો. તેથી તેણે મહિલા કૉન્સ્ટેબલને થોભવાનું કહ્યું હતું. આમ છતાં મહિલા કૉન્સ્ટેબલે વારંવાર હાથકડી છોડવાનો આગ્રહ રાખ્યો હતો. તેથી કાંબળેએ રોષે ભરાઈને કહ્યું હતું કે જો આરોપી નાસી છૂટે તો મારી  નહીં તેની જવાબદાર લેખાશે. સામસામી દલીલો પછી કોર્ટના પ્રાંગણમાં જ મહિલા કૉન્સ્ટેબલ અને કાંબળે વચ્ચે મારામારી થઈ હતી. તે સમયે સાથી પોલીસોએ પણ છોડાવવાનો પ્રયત્ન કર્યો હતો. કાંબળેએ મહિલા કૉન્સ્ટેબલને કોલરમાંથી પકડીને પોતાના તરફ ખેંચી હતી. આ અંગે ઇન્ડિયન પીનલ કોડની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer