``ભારતના ઇતિહાસમાં ગમગીન દિવસ''''


જજ લોયાના મૃત્યુ કેસમાં સુપ્રીમ કોર્ટના ચુકાદા સામે કૉંગ્રેસની તીવ્ર પ્રતિક્રિયા
 
આનંદ કે. વ્યાસ તરફથી
નવી દિલ્હી, તા. 19 : સીબીઆઈના ખાસ જજ બી. એચ. લોયાના મૃત્યુની `િસટ' દ્વારા તપાસની માગણી કરતી અરજીઓને સુપ્રીમ કોર્ટ દ્વારા રદ કરાઈ તેની સામે સવાલ કરતાં કૉંગ્રેસે ગુરુવારે જણાવ્યું હતું કે આ ચુકાદાથી ઘણા સવાલોના જવાબો બાકી રહી જાય છે. `આ તો ભારતના ઇતિહાસનો ગમગીન દિવસ છે' એમ કૉંગ્રેસના કૉમ્યુનિકેશન્સ ઇનચાર્જ રણદીપ સૂરજેવાલાએ પત્રકારો સમક્ષ જણાવ્યું હતું.
તપાસ થવી જોઇતી હતી તે થઈ નથી એવો આરોપ કરતાં સૂરજેવાલાએ જણાવ્યું હતું કે આ કેસમાં અપરાધીપણું છે કે નહીં તે તપાસ દ્વારા જ જાણી  શકાયું હોત. તપાસ વિના કેવી રીતે જાણી શકાય કે લોયાનું મૃત્યુ કુદરતી હતું કે અકુદરતી હતું? તપાસની માગણી કરતી અરજીઓ પાછળ રાહુલ ગાંધીનો `અદૃશ્ય હાથ' હોવાના કરેલા આરોપ માટે ભાજપ પર પ્રહાર કરતાં સૂરજેવાલાએ આ આરોપોને કૉંગ્રેસને બદનામ કરવાનો પ્રયાસ ગણાવતાં જણાવ્યું હતું કે શાસક પક્ષનો ફફડાટ બતાવે છે.
સૂરજેવાલાએ જણાવ્યું હતું કે ભાજપના નિવેદનની કડક શબ્દોમાં આલોચના કરવી જોઈએ અને કૉંગ્રેસ જજના મૃત્યુની તપાસની માગણી કરનારા અરજદારોમાં નહોતી. પક્ષે તેને બદલે `લોકોની અદાલત'નો આશરો લીધો હતો અને અન્ય 14 વિપક્ષોના નેતાઓ સાથે રાષ્ટ્રપતિ રામનાથ કોવિન્દ સમક્ષ રજૂઆત કરી હતી.
સુપ્રીમ કોર્ટના ચુકાદાનું ખોટું અર્થઘટન ભાજપનો ગભરાટ અને હતાશા બતાવે છે અમે ભાજપના આ પ્રયાસની આલોચના કરીએ છીએ એમ સૂરજેવાલાએ જણાવ્યું હતું.
સૂરજેવાલાએ જણાવ્યું હતું કે યોગ્ય તપાસની જરૂર હોવાનું કારણ એટલા માટે છે કે, લોયાની બહેને એક મુલાકાતમાં એવો આક્ષેપ મૂક્યો હતો કે આરોપીની તરફેણમાં જો જસ્ટિસ લોયા ચુકાદો આપે તો તેમને રૂપિયા 100 કરોડની લાંચ અને મુંબઈમાં ફ્લૅટ આપવાની અૉફર કરવામાં આવી હતી. ઈસીજી અને હિસ્ટોપેથોલૉજી રિપોર્ટમાં હૃદયરોગના હુમલાનો કોઈ પુરાવો બતાવાયો નથી. એમ્સના ડૉક્ટર આર. કે. શર્માએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે હૃદયરોગના કોઈ ચિહ્ન જણાયાં નહોતાં અને જસ્ટિસ લોયા પર ધારદાર હથિયારથી માથા પર ફટકો મારવામાં આવ્યો હોવાના પુરાવા છે. એમ સૂરજેવાલાએ જણાવ્યું હતું. મુંબઈથી નાગપુર ટ્રેનમાં સફર કરતાં જજનો કોઈ રેકર્ડ કેમ ન મળે? લોયા નાગપુર ગયા ત્યારે તેમને કોઈ સુરક્ષા પૂરી પાડવામાં આવી નહોતી. લોયા હોટલમાં રહ્યા હોવાનો કોઈ રેકર્ડ નથી, એમ સૂરજેવાલાએ વધુમાં જણાવ્યું હતું.
1 ડિસેમ્બર 2014ના હૃદયરોગના કહેવાતા હુમલાથી મૃત્યુ પામેલા જસ્ટિસ લોયાએ નાગપુરમાં સાથીની પુત્રીનાં લગ્નમાં હાજરી આપવા બે જજો સાથે હોટલના એક રૂમમાં રહ્યા હતા.
`લોયાના પરિવારે જાહેરમાં કહ્યું હતું કે તેમના કપડાં પર લોહીના ડાઘ હતા ખાસ કરીને ગરદન નજીક. પોસ્ટમૉર્ટમ રિપોર્ટમાં લોયાના નામના યોગ્ય રેકર્ડિંગમાં પણ ખામી હતી એમ સૂરજેવાલાએ જણાવ્યું હતું. ફોરેન્સિક પુરાવા, ઈસીજી, હિસ્ટોપેથોલૉજી, નિષ્ણાતોનાં મંતવ્યો, સાક્ષીઓ અને દસ્તાવેજો દ્વારા પૂરતી શંકા ઊભી કરવામાં આવી હોવા છતાં સિટની તપાસની શા માટે છૂટ આપવામાં આવી નથી? એવો સવાલ સૂરજેવાલાએ કર્યો હતો.
લોયા સીબીઆઈના ખાસ જજ હતા, જેઓ હાઈપ્રોફાઇલ સોહરાબુદ્દીન શેખ બનાવટી એન્કાઉન્ટર કેસની સુનાવણી કરી રહ્યા હતા જેમાં અગાઉ ભાજપના પ્રમુખ અમિત શાહ આરોપી હતા.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer