જસ્ટિસ લોયા મૃત્યુ કેસના ચુકાદા બાદ કૉંગ્રેસ પર ભાજપના પ્રહાર


પ્રમોદ મુઝુમદાર તરફથી
નવી દિલ્હી, તા. 19 : સર્વોચ્ચ અદાલતે આજે જસ્ટિસ લોયાના મૃત્યુની એસઆઇટી (સિટ) દ્વારા તપાસ કરાવવાનો ઇનકાર કરતાં અને તેમના મૃત્યુને કુદરતી જણાવતાં ભાજપે કૉંગ્રેસ પર જોરદાર પ્રહારો કર્યા હતા અને આ કેસમાં જનહિત અરજી પાછળ કૉંગ્રેસ અને રાહુલ ગાંધીનો હાથ હોવાનું જણાવ્યું હતું.
ભાજપના પ્રવક્તા ડૉ. સંબિત પાત્રાએ આજે સુપ્રીમ કોર્ટના આ ચુકાદા બાદ પત્રકારો સમક્ષ બોલતાં જણાવ્યું હતું કે, કૉંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ જાણીજોઇને ભાજપના પ્રમુખ અમિત શાહને બદનામ કરવાનું કાવતરું ઘડયું હતું. કૉંગ્રેસે ન્યાયપાલિકાનું રાજનીતિકરણ કરવાનો પ્રયાસ કર્યો હતો અને એટલા માટે તેણે ન્યાયતંત્રની માફી માગવી જોઇએ. રાહુલ ગાંધીએ ન કેવળ માફી માગવી જોઇએ, પરંતુ તેમનું માથું શરમથી ઝૂકી જવું જોઇએ એમ પાત્રાએ વધુમાં જણાવ્યું હતું.
પાત્રાએ જણાવ્યું હતું કે, આ અરજી પાછળ કૉંગ્રેસનો અદૃશ્ય હાથ હતો અને કોર્ટે સાફ શબ્દોમાં કહ્યું છે કે, અરજી પાછળ રાજકીય મંશા હતી. 12 જાન્યુઆરીના રાહુલ ગાંધીએ આ મુદ્દા પર પત્રકાર પરિષદ બોલાવી હતી. ત્યાર બાદ કપિલ સિબ્બલ, રણદીપ સૂરજેવાલાએ પણ પોતાના વિચારો રજૂ કર્યા હતા. જે કૉંગ્રેસ પાર્ટીએ દેશમાં કટોકટી લાદી હતી તેણે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહને બદનામ કરવાની પણ કોશિશ કરી હતી.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer