75 વર્ષ જૂની બૅન્કમાં નાણાં સલામત છે : ચૅરમૅન

75 વર્ષ જૂની બૅન્કમાં નાણાં સલામત છે : ચૅરમૅન

ધ સિટી કો-અૉપ બૅન્ક : રિઝર્વ બૅન્કના આદેશ મુજબ ગ્રાહકો છ મહિનામાં માત્ર રૂા. 1000 ઉપાડી શકશે

ક્રિશ્ના શાહ તરફથી
મુંબઈ, તા. 19 : વધુ એક કૉ-અૉપરેટિવ બૅન્કે થાપણદારો-ગ્રાહકોની ઊંઘ ઉડાડી છે. ધ સિટી કૉ-અૉપરેટિવ બૅન્કની વેબસાઈટના દાવા મુજબ તે અમૃત મહોત્સવ એટલે કે સ્થાપનાનાં 75 વર્ષની ઉજવણી કરી રહી છે. આ જ ટાણે બૅન્કના થાપણદારોને માથે વીજળી પડી છે. રિઝર્વ બૅન્કના આદેશ મુજબ બૅન્કના ગ્રાહકો પોતાના બચત ખાતા કે ચાલુ ખાતા કે ડિપોઝીટના અન્ય કોઈ પણ ખાતામાંથી પ્રત્યેક ખાતાદીઠ છ મહિનામાં માત્ર રૂા. 1,000 જ ઉપાડી શકશે. રિઝર્વ બૅન્કે 17મી એપ્રિલ, મંગળવારે કામકાજના કલાકો પૂરા થયા બાદ બૅન્કને આ બાબતે વિગતવાર આદેશ પાઠવ્યો છે. બૅન્ક આરબીઆઈની લેખિત પરવાનગી મેળવ્યા વિના કોઈ લોન કે ધિરાણો મંજૂર કે રિન્યુ નહીં કરી શકે, ઉછીનું ભંડોળ કે નવી ડિપોઝીટ જેવી કોઈ પણ જવાબદારીઓ સ્વીકારી નહીં શકે, પોતાનાં દેવાં કે જવાબદારી હેઠળ આવતાં હોય તેવાં કે તે સિવાયનાં કોઈ પણ ચૂકવણાં નહીં કરી શકે, કોઈ પણ સમાધાન કે વ્યવસ્થા નહીં ગોઠવી શકે. તેમ જ પોતાની પ્રોપર્ટીઝ કે અસ્ક્યામતોનું વેચાણ, ટ્રાન્સફર કે અન્ય કોઈ પણ રીતે નિકાલ નહીં કરી શકે.
જોકે, આનો મતલબ બૅન્કિંગ લાઈસન્સ રદ્દ થતું હોય, તેવો નથી. જ્યાં સુધી નાણાંકીય પરિસ્થિતિ સુધરે નહીં ત્યાં સુધી બૅન્ક આરબીઆઈએ લાદેલી મર્યાદાઓ સાથે કામકાજ ચાલુ રાખશે.
બૅન્કને પરત નહીં મળેલાં દેવાં - એનપીએ મોટા પ્રમાણમાં વધી જવાને કારણે બૅન્કની નાણાંકીય પરિસ્થિતિ અત્યંત કથળી ગઈ હોવાથી આરબીઆઈએ આ પગલું લેવું પડયું હતું. રિઝર્વ બૅન્કના આદેશ બાબતે સમાચારો વહેતા થવાને પગલે બૅન્કના ગ્રાહકો સમગ્ર મુંબઈમાં ફેલાયેલી બૅન્કની શાખાઓ ઉપર ધસી આવ્યા હતા.
સૂત્રોના અહેવાલો મુજબ બૅન્કે પોતાના ગ્રાહકોને અંધારામાં રાખ્યા હતા કેમકે રિઝર્વ બૅન્કે ડિસેમ્બર, 2017માં બૅન્ક ઉપર અંકુશો લાદ્યા હતા અને બૅન્કે એ બાબતે કોઈને જણાવ્યું ન હતું. ગભરાયેલા ગ્રાહકો-થાપણદારો મોડી રાતે બૅન્કની શાખાઓ ઉપર ટોળે વળ્યા હતા.
મુંબઈમાં બૅન્કની 10 શાખાઓ છે, જેમાં આશરે 91,000 ખાતેદારો છે. બૅન્કની વેબસાઈટ ઉપર માર્ચ, 2016 સુધીની નાણાકીય વિગતો ઉપલબ્ધ છે, જે મુજબ તેની શૅર મૂડી અને અનામતો રૂા. 55 કરોડ હતાં, જ્યારે થાપણો રૂા. 534 કરોડ હતી અને ધિરાણો રૂા. 362 કરોડ હતાં. એટલે કે માર્ચ, 2016માં બૅન્કની એનપીએ માત્ર 8.9 ટકા હતી અને મૂડી પર્યાપ્તતાનો રેશિયો 10.16 ટકા હતો. જો આ વિગતોને સાચી માની લઈએ તો, સવાલ એ છે કે વર્ષ 2016-17 અને 2017-18 દરમિયાન એવું તો શું થયું કે બૅન્કની એનપીએમાં અસાધારણ વધારો થયો અને મૂડી પર્યાપ્તતાનો તંદુરસ્ત ગુણોત્તર કથળી પડયો? 
બૅન્કના ચૅરમૅન અને શિવસેનાના સાંસદ આનંદરાવ અડસૂળ તો જણાવે છે કે બૅન્ક લોકોના વિશ્વાસથી જ છેલ્લાં 75 વર્ષથી ચાલી રહી છે અને લોકોનાં નાણાં સલામત રહે તે સુનિશ્ચિત કરાશે. પરંતુ બીજી તરફ, લોકોમાં આક્રોશ છે કે તેમને વેળાસર જાણ શા માટે ન કરાઈ? જો તેમને અંધારામાં ન રખાયા હોત, તો તેઓ સાવચેતીરૂપે પોતાનાં નાણાં ઉપાડી લેત.
ડિપોઝીટ ઈન્સ્યુરન્સ પેમેન્ટ ડેટા મુજબ મહારાષ્ટ્રમાં વર્ષ 2016 સુધીનાં 30 વર્ષોમાં 165 કૉ-અૉપરેટિવ બૅન્ક્સે પાટિયાં પાડી દીધાં હતાં. આ નાની બૅન્કો આરબીઆઈ તેમ જ રજિસ્ટ્રાર અૉફ કૉ-અૉપરેટિવ્ઝ બંને તરફથી લાદવામાં આવતા બેવડાં નિયમનોના અનુપાલનમાં નિષ્ફળ ગઈ હતી.
દેશમાં કૉ-અૉપરેટિવ બૅન્કો સામાન્ય રીતે રાજકારણીઓ અથવા તેમના નિકટના લોકો દ્વારા સ્થપવામાં આવી હોય છે અને જ્યાં સુધી આ બૅન્કોને ઉગારી લેવા માટે અત્યંત મોડું ન થઈ ચૂક્યું હોય ત્યાં સુધી આરબીઆઈ આ બૅન્કોનાં તોતિંગ ધિરાણો અટકાવવાની તસ્દી લેતી નથી. આ બાબત વધુ એકવાર સાબિત કરી છે.
ધ સિટી કો-અૉપ. બૅન્ક : એક નજર
  • લોઅર પરેલમાં હેડ અૉફિસ અને દાદરમાં ક્લિયરિંગ ડિપાર્ટમેન્ટ ઉપરાંત બૅન્કની 10 શાખાઓ છે : ફોર્ટ, ગિરગાંવ, વી.પી. રોડ, દાદર, માટુંગા, બોરીવલી (પૂ.), દહીંસર (પૂ.), દહીંસર (પ.), મીરા રોડ (પૂ.) અને થાણે (પ.)
  • બૅન્કના આશરે 91,000 થાપણદારો છે.
  • બૅન્કનો કરવેરા પછીનો ચોખ્ખો નફો માર્ચ, 2015માં રૂા. 1.57 કરોડથી ઘટીને માર્ચ, 2016માં રૂા. 14.79 લાખ નોંધાયો હતો. તેમ જ કરવેરા પહેલાંનો ચોખ્ખો નફો રૂા. 2.18 કરોડથી વધીને રૂા.2.44 કરોડ નોંધાયો હતો. 
  • આ જ ગાળામાં બૅન્કની અનામતો રૂા. 33.35 કરોડથી અસાધારણ રીતે વધીને રૂા.448.99 કરોડ થઈ હતી. 
  • બૅન્કના ચૅરમૅન આનંદરાવ વિઠોબા અડસૂળ હાલમાં મહારાષ્ટ્રના અમરાવતી લોકસભા ક્ષેત્રના શિવસેનાના સાંસદ છે.
  • અડસૂળ કપોળ કૉ-અૉપ બૅન્ક એમ્પ્લોઈઝ યુનિયનના પ્રમુખ છે. તેમ જ અનેક સહકારી સંગઠનો સાથે સંકળાયેલા હોવા ઉપરાંત તેઓ સહકારી બૅન્કોના કર્મચારી સંગઠનોમાં પણ અગ્રણી સ્થાન ધરાવે છે.
  • વર્ષ 26 અૉગસ્ટ, 2002થી મે, 2004 સુધી એટલે કે વાજપેયી સરકાર દરમિયાન તેઓ નાણાં અને કંપની બાબતોના કેન્દ્રીય પ્રધાન હતા.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer