વડોદરામાં પૂજારીનો પરિવાર સાથે આત્મવિલોપનનો પ્રયાસ

વડોદરામાં પૂજારીનો પરિવાર સાથે આત્મવિલોપનનો પ્રયાસ
 
ભાજપના કાર્યકર દ્વારા હેરાનગતિનો આક્ષેપ
 
અમારા પ્રતિનિધિ તરફથી
વડોદરા,તા.19 : શહેરના વાડી વિસ્તારમાં આવેલા હનુમાન મંદિરના પૂજારીએ વડોદરા કલેકટર કચેરીમાં પરિવાર સાથે આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. પૂજારીએ ભાજપના કાર્યકર દ્વારા હેરાનગતિના કારણે આ પગલુ ભર્યુ હોવાનો આક્ષેપ કર્યો હતો. 
પ્રાપ્ત માહિતી પ્રમાણે વડોદરા શહેરના વાડી વિસ્તારમાં રહેતા ભરત રાજપૂત હનુમાનજી મંદિરમાં પૂજારી તરીક સેવા આપે છે. થોડા સમય પહેલા મંદિરના વિવાદમાં ભાજપના કાર્યકર પ્રેમલ મોદી પર અજાણ્યા શખસોએ તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો. આ અંગે પ્રેમલ મોદીએ ફરિયાદ નોંધાવી હતી. જેમાં પૂજારી ભરત રાજપૂતના પુત્રનું નામ આવ્યું હતું. જેને કારણે પૂજારીના પુત્રનું કેનેડા જવાનું સ્વપ્ન રોળાઈ ગયું હતું. 
આ મામલે પ્રેમલ મોદી સહિતના લોકો વિરુદ્ધ પૂજારી ભરત રાજપૂતે પીએમઓ, રાષ્ટ્રપતિ , મુખ્ય પ્રધાન કલેકટર અને પોલીસ કમિશનરને અરજી કરી હતી અને આરોપીઓ વિરુદ્ધ પગલાં લેવાની માગણી કરી હતી. પરંતુ આ મામલે કોઈ પગલાં ન લેવાતા તેઓએ અગાઉ ઈચ્છામૃત્યુની પરવાનગી પણ માગી હતી. આજે પૂજારી ભરત રાજપૂતે પરિવાર સાથે કલેકટર કચેરી ખાતે આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. જેમાં શરીરના એક ભાગે તેઓ દાઝી પણ ગયા હતા. પોલીસે પૂજારીની અટકાયત કરીને વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer