ઉન્નાવ-કથુઆની ઘટનાના નિષેધ માટે યોજાયેલી કૉંગ્રેસની કેન્ડલ માર્ચ

ઉન્નાવ-કથુઆની ઘટનાના નિષેધ માટે યોજાયેલી કૉંગ્રેસની કેન્ડલ માર્ચ

વિનયભંગ થયાની મહિલા કાર્યકરની ફરિયાદ
 
મુંબઈ, તા. 19 (પીટીઆઇ): કથુઆ અને ઉન્નાવ બળાત્કારની ઘટનાઓનો નિષેઘ કરવા કૉંગ્રેસ દ્વારા ગત રવિવારે જુહુમાં કાઢવામાં આવેલી કેન્ડલ માર્ચમાં જ પોતાનો વિનયભંગ થયો હોવાની ફરિયાદ મહિલા કાર્યકરે કરી છે. આ મહિલાએ કૉંગ્રેસના મુંબઈ એકમના વડા સંજય નિરૂપમ સમક્ષ આ બાબતે ફરિયાદ કરી છે.
નિરૂપમે જણાવ્યું હતું કે તે મહિલા અમારી જિલ્લા સ્તરની કાર્યકર્તા છે. તેણે કથિત બનાવ વિશે મને ટેકસ્ટ મેસેજ મોકલ્યો છે. આ બનાવ કમનસીબ છે અને હું તેને વખોડી કાઢું છું. મેં તે મહિલાને કહ્યું છે કે જો તે વ્યક્તિને ઓળખી બતાવે તો હું આરોપી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવામાં મદદ કરીશ. જોકે, તે મહિલાએ મને કહ્યું હતું કે ત્યાં બહુ લોકો હતા. તેથી તે શખસને ઓળખવાનું મુશ્કેલ છે. આ મહિલા મુંબઈ એકમ દ્વારા યોજાતાં ધરણાં અને મોરચામાં સક્રિયપણે સહભાગી થાય છે. તે પોતાની સાથે ડઝન જેટલી મહિલાઓને લાવે છે. ગત રવિવારે તેમને સહન કરવા પડેલા સંતાપ બદલ મેં દિલગીરી વ્યક્ત કરી છે. પુરુષ કાર્યકરો મોરચામાં મહિલાઓના ચહેરા ટેલિવિઝનના કૅમેરામાં દેખાય એ માટે તેઓને હડસેલતા હોય છે. જે મોરચામાં મહિલાઓ મોટી સંખ્યામાં સહભાગી થતી હોય તે અંગે હવે શું કરવું અને શું ન કરવું એ વિશેના નિયમો ઘડવામાં આવશે એમ નિરૂપમે ઉમેર્યું હતું.
આ પીડિત મહિલાએ તેના મેસેજમાં જણાવ્યું હતું કે યુવક કૉંગ્રેસ અને વિદ્યાર્થી પાંખના કાર્યકરોએ નીચલા સ્તર સુધી જઈને અયોગ્ય જગ્યાએ સ્પર્શ કર્યો હતો. તેથી અમને હવે અમારા જ પક્ષના પુરુષ કાર્યકરોમાં અસલામતી લાગવા માંડી છે. દિલગીરી સાથે કહેવું પડે છે કે કેટલાક પુરુષ કાર્યકરોએ મહિલા કાર્યકરોના ચહેરા મીડિયાના કૅમેરામાં ઝડપાય એ માટે આમ કર્યું હતું. 
હું જાણવા માગું છું કે ભવિષ્યમાં આ પ્રકારની મહિલા કાર્યકરો માટે સલામતી રહેશે કે કેમ તે જાણવા માગું છું એમ તે મહિલાએ ઉમેર્યું હતું.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer