એપીએમસીના વેપારીઓને મોટી રાહત : સેવાશુલ્ક વસૂલવા સામે હાઈ કોર્ટનો સ્ટે

એપીએમસીના વેપારીઓને મોટી રાહત : સેવાશુલ્ક વસૂલવા સામે હાઈ કોર્ટનો સ્ટે

એપીએમસી તંત્ર વેપારીઓ પાસેથી 156 કરોડ વસૂલવા માગતું હતું
 
મણિલાલ ગાલા તરફથી
નવી મુંબઈ, તા. 19 : નવી મુંબઈની અનાજ, કઠોળ, કરિયાણા સહિતની એપીએમસી બજારોના વેપારીઓ પાસેથી 2014થી 2017ની પાછલી મુદતથી વિવિધ વસ્તુઓ પર સેવાશુલ્ક ઉઘરાવવાના એપીએમસી તંત્રના ફતવા સામે આજે મુંબઈ હાઈ કોર્ટે સ્ટે આપતાં વેપારીઓને મોટી રાહત થઈ છે. કોર્ટે આ કેસની વધુ સુનાવણી 7મી જૂન ઉપર મુલતવી રાખી હતી.
એપીએમસી તંત્રએ તાજેતરમાં એક નોટિસ બહાર પાડીને દાળ, કઠોળ, ડ્રાયફ્રૂટ, તેલ, સાકર, ચા, રવો, મેંદો, આટો વગેરેના ટર્નઓવર પર એક ટકો સેવાશુલ્ક પાછલાં ત્રણ વર્ષથી વસૂલવાની વેપારીઓને નોટિસ આપી હતી.
દાણા બંદરના વેપારીઓની 118 વર્ષ જૂની પ્રતિષ્ઠિત સંસ્થા `ગ્રેન, રાઇસ ઍન્ડ અૉઇલ સીડ્સ મર્ચન્ટ્સ ઍસોસિયેશન' (ગ્રોમા) દ્વારા આ નોટિસને પડકારવામાં આપી હતી. 
ગ્રોમાના ધારાશાત્રી વિનીત નાઇકે કોર્ટમાં એવી દલીલ કરી હતી કે એપીએમસીના 1967ના કાયદા પ્રમાણે અનાજ, કઠોળ, કરિયાણાની ઉપરોક્ત ચીજો `નોન રેગ્યુલેશન' હેઠળ આવે છે. તેના ટર્નઓવર પર સેવાશુલ્ક વસૂલ કરી શકાય નહીં, વળી ચાર વર્ષ સુધી એપીએમસી તંત્ર સૂતું રહ્યું અને ઓચિંતા ચાર વર્ષ બાદ પાછલી મુદતથી સેવાશુલ્ક ઉઘરાવવાની નોટિસો પાઠવી જે સંપૂર્ણ ગેરકાયદે છે, એમ `ગ્રોમા'ના મંત્રી ભીમજીભાઈ ભાનુશાલીએ `જન્મભૂમિ'ને જણાવ્યું હતું.
તેમણે કહ્યું હતું કે કાયદામાં સ્પષ્ટ ઉલ્લેખ છતાં એપીએમસીએ આ ફતવો બહાર પાડીને વેપારીઓ પાસેથી કરોડો રૂપિયા ઉઘરાવવા માગતી હતી અને હવે તો જીએસટીનો પણ અમલ થઈ ચૂક્યો છે ત્યારે આ ટૅક્સ કેવી રીતે ઉઘરાવી શકાય? કોર્ટને વેપારીઓની દલીલમાં વજૂદ લાગ્યું છે અને વેપારીઓને મોટી રાહત આપી છે.
આ કેસમાં નવી મુંબઈનાં અન્ય વેપારી સંગઠનોએ પણ સેવાશુલ્કની નોટિસ વિરુદ્ધ અરજી નોંધાવી હતી.
બૉમ્બે મૂડી બજાર કરિયાણા મર્ચન્ટ્સ ઍસોસિયેશન અને નવી મુંબઈ મર્ચન્ટ્સ ચેમ્બરના અધ્યક્ષ કીર્તિ રાણાએ જણાવ્યું હતું કે એપીએમસી આ ગેરકાયદે નોટિસ દ્વારા વેપારીઓ પાસેથી ચાર વર્ષની સેવાશુલ્ક પેટે 156 કરોડ રૂપિયા જેવી જંગી રકમ ઉઘરાવવા માગતી હતી. જો એમ થાય તો વેપારીઓ તો રસ્તા પર આવી જાય, પરંતુ નામદાર હાઈ કોર્ટે વેપારીઓની તરફેણમાં સ્ટે આપીને અમને મોટી રાહત આપી છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer