સુરતમાં હીરાઉદ્યોગકારના 12 વર્ષના પુત્ર ભવ્ય શાહે મોહમાયા છોડી દીક્ષા ધારણ કરી

સુરતમાં હીરાઉદ્યોગકારના 12 વર્ષના પુત્ર ભવ્ય શાહે મોહમાયા છોડી દીક્ષા ધારણ કરી
 
ફેરારી અને ગોગલ્સનાં શોખીન ભવ્યએ  ગુરુ ભગવંતોની ઉપસ્થિતિમાં સાધુજીવન ગ્રહણ કર્યું
 
અમારા પ્રતિનિધિ તરફથી
સુરત તા. 19 : હીરાઉદ્યોગકાર દીપેશ શાહના 12 વર્ષીય પુત્ર ભવ્ય શાહે સંસારની મોહમાયાને ત્યજીને સાધુજીવન સ્વીકાર્યુ છે. ગુરુ ભગવંતોની ઉપસ્થિતિમાં ભવ્ય શાહે આજે આચાર્ય રશ્મિરત્નસૂરી મહારાજનાં હસ્તે દીક્ષા ગ્રહણ કરી હતી. ફેરારી ગાડીનો અત્યંત શોખ ધરાવનાર ભવ્ય શાહને દીક્ષાનું મુહૂર્ત લેવા જવા માટે તેનાં મિત્રએ ફેરારી ગાડી મોકલી હતી. આ ઉપરાંત ગઈકાલે શહેરમાં મુમુક્ષુ ભવ્ય શાહની બાહુબલી અંદાજમાં શહેરમાં ભવ્ય વરસીદાન યાત્રા નીકળી હતી. જેમાં ઉપસ્થિત હજારોની મેદનીએ મુમુક્ષુ ભવ્ય શાહની અનુમોદના કરી હતી.
આજે ઉમરા જૈન સંઘ ખાતે ભવ્યકુમાર શાહે આચાર્ય ભગવંતોની ઉપસ્થિતિમાં મુનિરાજ ભાગ્યરત્ન બની સાધુજીવન તરફ પ્રયાણ કર્યુ હતું. મુમુક્ષુ ભવ્યકુમારે મંડપમાં દીક્ષા ગ્રહણ કરતાંની સાથે જ ઉપસ્થિત જનમેદની દીક્ષાર્થી અમર રહો પોકારી ઊઠી હતી. ભવ્ય શાહને આચાર્ય ગુરુ રશ્મિરત્નસૂરીશ્વરજી મહારાજે દીક્ષા આપી હતી. દીક્ષા મંડપમાં રાજ્યનાં મુખ્ય પ્રધાન વિજયભાઈ રૂપાણીનો દીક્ષાર્થી ભવ્ય માટેનો શુભેચ્છા સંદેશો વાંચી સંભળાવાયો હતો. 
મુમુક્ષુ ભવ્ય શાહની દીક્ષામાં હજારોની સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતાં તો 300 જેટલાં ગુરુ ભગવંતો પણ આશીર્વાદ આપવા પહોંચી ગયા હતા. બે વર્ષ અગાઉ હીરાઉદ્યોગકાર દીપેશ શાહની દીકરી પ્રિયાંશીએ પણ દીક્ષા ગ્રહણ કરી હતી. દીપેશભાઈને સંતાનમાં બે પુત્રો અને એક પુત્રી છે. જેમાંથી એક દીકરી પ્રિયાંશી અને પુત્ર ભવ્યએ સંસાર ત્યજીને સાધુજીવન અપનાવ્યું છે. ભવ્યએ અગાઉ એક મુલાકાતમાં જણાવ્યું હતું કે, વૈભવી જીવનની મોહમાયા કરતાં સાધુજીવનમાં મોક્ષની પ્રાપ્તિ જીવનનું સાચું સુખ છે. બહેનની દીક્ષામાંથી પોતાને પણ દીક્ષા લેવાની પ્રેરણા મળી હતી. 
એક સમયે વૈભવી કાર અને ગોગલ્સનો શોખ ધરાવનાર બાર વર્ષીય ભવ્ય શાહે એક જ ઝાટકે સમગ્ર મોહમાયા ત્યજીને સાધુજીવન અપનાવી લીધું છે. મુનિરાજ ભાગ્યરત્ન સાધુજીવનનાં કઠિન માર્ગ પર ચાલીને જીવનમાં મોક્ષ પ્રાપ્તિનો લક્ષ્યાંક રાખે છે. નોંધવું કે, પાછલાં કેટલાંક વર્ષોમાં જૈન સમાજમાં નાની ઉંમરનાં બાળકોથી લઈને મોટેરાઓમાં દીક્ષા લેવાનું પ્રમાણ વધ્યું છે. ડાયમંડ સિટી સુરતમાં દર વર્ષે લેવાતી દીક્ષામાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer