પાલિકા અને રેલવે તંત્રે કરી ચોમાસા પૂર્વેની તૈયારીનાં કામની સમીક્ષા

પાલિકા અને રેલવે તંત્રે કરી ચોમાસા પૂર્વેની તૈયારીનાં કામની સમીક્ષા

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 19 : ચોમાસા પૂર્વેની તૈયારી માટેનાં કામમાં પ્રગતિની સમીક્ષા માટે પશ્ચિમ રેલવેના મહાવ્યવસ્થાપક એ. કે. ગુપ્તા અને પાલિકા આયુક્ત અજોય મહેતા વચ્ચે બેઠક યોજાઈ હતી. તેમાં પાલિકા અને રેલવેના અધિકારીઓ પણ સહભાગી થયા હતા. પશ્ચિમ રેલવેના જનસંપર્ક અધિકારી રવીન્દ્ર ભાકર દ્વારા બહાર પાડવામાં આવેલી અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે કે આ બેઠકમાં સ્ટોર્મ વોટર ડ્રેઈનની સફાઈ, પાટાની પાસેનો કચરો, ઓવરહેડ પાઈપલાઈનનું શિફટિંગ, ડ્રેનેજ પાઈપલાઈનના ક્રોસ કનેક્શનને મોટું કરવું, તેમ જ રાહદારીઓ માટેના પુલો ઉપરથી અતિક્રમણ જેવી બાબતો વિશે ચર્ચા થઈ હતી. રેલવેના હરિજન નાળામાં અવરોધ સમાન પાણીની પાઈપલાઈન અને અન્ય બાંધકામોને હટાવવાનું નક્કી થયું છે. તેના માટે મુંબઈ પાલિકાએ પણ સંમતિ દર્શાવી છે. 
પોઈસર નાળા પાસે રાહદારીઓ માટેનો પુલ બાંધવા માટે અતિક્રમણ હટાવવાનો અનુરોધ પાલિકાને કરવામાં આવ્યો છે.
બાંદરા રેલવે કૉલોની અને જયભારત સોસાયટી માટે નાળા ક્રમાંક 24 અને 24એ અતિ અગત્યનું છે. નાળાની સફાઈનું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે. બંધ નાળાને જયભારત નાળાના ક્રમાંક- 24ને જોડવા ખુલ્લા નાળામાં રૂપાતરિત કરવામાં આવી રહ્યું છે. આ કામ 15મી મે સુધીમાં પૂર્ણ કરાશે.
ફેરિયાઓને હટાવવામાં મદદ
નાળાની સફાઇની જેમ રેલવેની જગ્યામાં ગેરકાનૂની રીતે ધંધો કરતાં ફેરિયાઓનો પ્રશ્ન મહત્ત્વનો છે. તે વિશે પણ બેઠકમાં ચર્ચા થઈ હતી. પશ્ચિમ રેલવેની જગ્યામાંથી ફેરિયાઓને હટાવવામાં અને પાટા પરના કચરાને હટાવવા માટે રેલવેને શક્ય બધી મદદ આપવાની તૈયારી પાલિકાએ કરી હતી.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer