સુરતમાંથી બ્રાન્ડેડ કંપનીઓનાં ડુપ્લિકેટ બૂટનું ગોડાઉન ઝડપાયું

સુરતમાંથી બ્રાન્ડેડ કંપનીઓનાં ડુપ્લિકેટ બૂટનું ગોડાઉન ઝડપાયું

પોલીસે રૂા. 2.53 કરોડના બનાવટી જોડાં કબજે કર્યાં
 
સુરત, તા. 19 : શહેરનાં ઉધના વિસ્તારમાંથી પોલીસે આજે બ્રાન્ડેડ કંપનીના ડુપ્લિકેટ બૂટનું વેચાણ કરતું એક ગોડાઉન શોધી કાઢયું હતું. આ ગોડાઉનમાંથી નાઇકી, પૂમા, એડીડાસ જેવી મોટી કંપનીના નકલી બૂટો મળી આવ્યા છે. કોપીરાઇટ ટીમે પોલીસને સાથે રાખીને આજે સવારે દરોડા પાડયાં હતાં. પ્રાથમિક તપાસમાં ગોડાઉનમાંથી બૂટનું અૉનલાઇન વેચાણ થતું હોવાનું સામે આવ્યું છે. ટીમે ગોડાઉનમાંથી નકલી બૂટનો રૂા. 2.53 કરોડનો જથ્થો ઝડપી પાડયો હોવાનું જાણવા મળ્યું છે.           
ઉધના પોલીસના સૂત્રો દ્વારા મળતી વિગત અનુસાર શહેરના ઉધના રોડ નં. 6નાં ગોદામ નં. 91માં કોપીરાઇટની ટીમ અને પોલીસ ટીમે સાથે દરોડો પાડતા નકલી બ્રાન્ડેડ સૂઝ હોવાનું બહાર આવ્યું હતું. નાઇકી, પૂમા, એડિડાસ  જેવી મોટી કંપનીના ડુપ્લિકેટ બૂટોનો જથ્થો જોઇને કોપી રાઇટની ટીમ અને પોલીસની ટીમ પણ ચોંકી ઊઠી હતી.
અૉનલાઇન ડુપ્લિકેટ બૂટ વેચવાના રેકેટના પર્દાફાશથી ખળભળાટ મચી જવા પામ્યો છે. ડુપ્લિકેટ બૂટનું વેચાણ કરતા ગોડાઉનમાંથી અંદાજે રૂા. 2.53 કરોડના બૂટનો જથ્થો કબજે લઇ આગળની કાર્યવાહી હાથ ધરી છે. સૂત્રોએ જણાવ્યું હતું કે અગાઉ પણ શહેરના ચોકબજાર વિસ્તારમાંથી ડુપ્લિકેટ બૂટોના રેકેટનો પર્દાફાશ થયો હતો. 
પોલીસે ગોડાઉન માલિક રણછોડની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે તેમણે બે માસ અગાઉ જ સમીર નામની વ્યકિતને ગોડાઉન ભાડે આપ્યું હતું. પોલીસે આ અંગે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે. કોપીરાઇટ ટીમ અને પોલીસે સમીરની વધુ પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે તે તો માત્ર ગોડાઉનની સાચવણી જ કરે છે. બૂટોનું અૉનલાઇન વેચાણ કોઇ બીજી વ્યકિત જ કરે છે. પ્રાથમિક પૂછપરછમાં પોલીસને ડુપ્લિકેટ બુટનાં વેચાણમાં કોઇ જૂનો ખેલાડી હોવાની આશંકા છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer