ત્રણ બાળકોની માતા પાકિસ્તાન પહોંચતાં જ બની આમના : પંજાબની કિરણ બાલાએ લાહોરના શખસ સાથે કરી શાદી

ત્રણ બાળકોની માતા પાકિસ્તાન પહોંચતાં જ બની આમના : પંજાબની કિરણ બાલાએ લાહોરના શખસ સાથે કરી શાદી

નવી દિલ્હી, તા. 19 : બૈશાખી ઉપર પાકિસ્તાન ગયેલી ભારતીય શિખ મહિલાએ લાહોરના એક શખસ સાથે શાદી કરીને ઈસ્લામ ધર્મ અપનાવી લેતા વિવાદ શરૂ થયો છે. મહિલાએ શાદી માટે વીઝાની મુદ્દત લંબાવવાની પણ અરજી કરી છે. બીજી તરફ મહિલાના પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે, તે પાકિસ્તાની ગુપ્તચર સંસ્થા આઈએસઆઈની જાસુસ હતી અને તેના કારણે ત્રણ બાળકોને ભારતમાં એકલા છોડીને પાકિસ્તાન ચાલી ગઈ છે. 
આ અંગે જાણવા મળતી વિગત પ્રમાણે પંજાબના હોશિયારપુરના મનોહરલાલની પુત્રી કિરણબાલાએ પાકિસ્તાની વિદેશ મંત્રાલયને પત્ર લખીને કહ્યું છે કે, તે લાહોરના મોહમ્મદ આઝમ નામના શખસ સાથે શાદી થઈ હોવાથી વિઝાની મુદ્દત લંબાવવામાં આવે.  પાકિસ્તાનના અખબારોમાં કહેવામાં આવ્યું છે કે, બન્નેની શાદી જામિયા નેઈમિયા સેમિનરીમાં 16મી એપ્રિલના રોજ થઈ હતી.  આ સાથે કિરણ બાલાએ પોતાનું નામ પણ બદલીને આમના બીબી રાખ્યું છે. આ દરમિયાન કિરણ બાલા ઉર્ફે આમના બીબીના સસરા તરસેમ સિંહે શંકા વ્યક્ત કરી છે કે, તે પાકિસ્તાન માટે ભારતમાં જાસુસી કરતી હતી. કિરણ બાલાના પતિનું 2013માં મૃત્યુ થયું હતું અને તેને સંતાનમાં ત્રણ બાળકો છે. 10મી એપ્રિલના રોજ કિરણ બાલાએ દર્શન કરીને પોતે પરત ફરશે તેવું કહીને પાકિસ્તાન જવા રવાના થઈ હતી. તરસેમસિંહે એમ પણ કહ્યું હતું કે, કિરણ સતત ફોન ઉપર વ્યસ્ત રહેતી હતી અને અજાણ્યા લોકો સાથે વાતચીત કરતી હતી.  જો કે હજી સુધી પાકિસ્તાન કે ભારતીય વિદેશ મંત્રાલય દ્વારા આ મામલે કોઈ ટિપ્પણી કરવામાં આવી નથી.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer