જજ લોયાનું મૃત્યુ કુદરતી હતું : સુપ્રીમ કોર્ટ

જજ લોયાનું મૃત્યુ કુદરતી હતું : સુપ્રીમ કોર્ટ
 
અરજદારોને આડે હાથ લીધા : અરજીઓને ન્યાયતંત્રના સ્વાતંત્ર્ય પરના હુમલા સમાન ગણાવી
 
નવી દિલ્હી, તા. 19 (પીટીઆઈ):  ખાસ જજ બ્રિજમોહન હરિકિશન લોયા 3 વર્ષ પહેલાં કુદરતી કારણોસર મૃત્યુ પામ્યા હતા અને તેમના આરોગ્ય સાથે મેલી રમત રમાયાનો આક્ષેપ કરતી લોકહિત અરજીમાં મુદ્દલે મેરિટ (વજુદ)નથી એવો નિષ્કર્ષ સર્વોચ્ચ અદાલતે આજે આપ્યો હતે.  આજનો આ ચૂકાદો લોયાના મૃત્યુ ફરતેના સંજોગો વિશેની કોઈ પણ મુકદ્દમાબાજીનો અંત જાહેર કરે છે એમ જણાવી અદાલતી બેન્ચે જસ્ટીસ લોયાના મૃત્યુ વિશે હવે પછી કોઈ સવાલો કરવાનું અટકાવી દીધું છે. લોયાના મૃત્યુની સ્વતંત્ર તપાસ માગતી કેટલીક અરજીઓ નકારતાં બેન્ચે ટકોર કરી હતી કે ક્ષુલ્લક અને હેતુપ્રેરિત અરજીઓ હતોત્સાહ કરવી જોઈએ. (જજ  લોયા તેમના મૃત્યુના અરસામાં સોહરાબુદ્દીન શેખ બનાવટી એન્કાઉન્ટરનો કેસ સાંભળી રહ્યા હતા.  ભાજપ પ્રમુખ અમિત શાહ આ કેસના એક આરોપી હતા, જેમને લોયાના અનુગામી જજે આરોપમુકત જાહેર કર્યા હતા)
મુખ્ય ન્યાયમૂર્તિ દિપક મિશ્રા, ન્યા. ડીવાય ચંદ્રચુડ અને ન્યા. એએમ ખાનવિલકરની બનેલી બેન્ચે ઉકત અરજીઓ કાઢી નાખતાં તેની પાછળના ઈરાદા સામે સવાલ કર્યો હતો અને આવી અરજીઓ અદાલતી સ્વાતંત્રય પરના હુમલા સમી હોવાનું નિરીક્ષણ કર્યું હતુ. (અરજદારોમાં કોંગ્રેસી નેતા તહેસીન પૂનાવાલા અને મહારાષ્ટ્ર સ્થિત બીએસ લોનેનો સમાવેશ થતો હતો)
બેન્ચનો નિષ્કર્ષ 3 પરિમાણો આધારિત છે: એક છે જજ લોયાના સાથી 4 જજોએ મહારાષ્ટ્ર પોલીસને આપેલા  `નિર્વિવાદ' લેખિત નિવેદનો. બીજું કે જયારે મિત્રો અને સાથીજજોએ ગેસ્ટ હાઉસમાં એક જ રુમ સહભાગી કર્યો હતો તેમાં કશી નવાજૂની થઈ ન હતી અને ત્રીજું  પોતે રવિ ભવન ખાતે રહેવાનું રાખ્યાનું '14ની 30 નવેમ્બરે તેમણે પત્નીને જણાવ્યું હતું.
જજોએ પોલીસ સમક્ષ નિવેદન કર્યા હતા અને નવે. '14માં નાગપુર ખાતે જજ લોયાનાં મૃત્યુએ દહેશતો જગાવી હોવાના એક સામયિકમાંના લેખ બાદ પોલીસે ય સ્વતંત્રપણે આમાં તપાસ કરી હતી.  જજ લોયા અને સાથી જજો નાગપુર એક લગ્નમાં હાજરી આપવા  ગયા હતા તે પ્રવાસ, ત્યાંનો પ્રવાસક્રમ અને રવિ ભવનમાં એક રુમમાં તેઓ કઈ રીતે સાથે રહ્યા હતા તે તમામના પગેરાં ચૂકાદા માટે ચકાસવામાં આવ્યા હતા.
ન્યા. ચંદ્રચુડે એવું નિરીક્ષણ કર્યું હતું કે કોર્ટો કંઈ બિઝનેસ કે રાજકીય અદાવતના હિસાબ-જે બજારો કે ચૂંટણીઓમાં લડી લેવાના હોય છે-કરવાનુ સ્થળ નથી એવુ વેધક નિરીક્ષણ કરી બેન્ચે ચાબખો માર્યો હતો કે સુપ્રીમ કોર્ટ અને હાઈ કોર્ટોમાં આવતી લોકહિત અરજીઓનો પ્રચંડ જુવાળ પડતર કેસોના ગંજ રચે છે અને કોર્ટના કામકાજનો માઠી રીતે ભોગ લેવાય છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer