ગિરગામ અને કાલબાદેવીમાં મેટ્રો-3નું કામ ચોમાસા બાદ જ શરૂ થશે

મુંબઈ, તા.20 : કોલાબા-બાંદરા-સિપ્ઝ વચ્ચેની પ્રસ્તાવિત મેટ્રો-3 યોજનાનું કામ આ રૂટમાં કેટલાંય સ્થળોએ પુરજોશમાં ચાલી રહ્યું છે પરંતુ દક્ષિણ મુંબઈના ગિરગામ અને કાલબાદેવી જેવા વિસ્તારોમાં બહુચર્ચિત મેટ્રો સ્ટેશનોનું કામ હવે ચોમાસા બાદ જ શરૂ થશે એવું જણાઇ રહ્યું છે. આ વિસ્તારોમાં યોજનાના અસરગ્રસ્તોના પુનર્વસનની પ્રક્રિયા હજુ અપૂર્ણ હોવાથી મેટ્રોનું કામ શરૂ થઇ  શક્યું નથી.   જોકે, કાલબાદેવી અને ગિરગામ જેવા સતત વ્યસ્ત અને ગીચ વિસ્તારમાં ચોમાસામાં કામ કરવા આડે મુશ્કેલીઓ છે. અસરગ્રસ્ત બિલ્ડિંગો ખાલી થયા બાદ તેના આડે આડસો મૂકવી પડે અને ભૂગર્ભમાં કામ કરવા માટે તોતિંગ યંત્રસામગ્રી લાવવા પણ મોકળી જગ્યા જોઇએ. ગિરગામમાં આવી જગ્યા હોવાથી કેટલાક સ્થળે કામ ચાલી રહ્યું છે પરંતુ કાલબાદેવીમાં ટ્રાફિકની સમસ્યા પહેલેથી જ વકરેલી છે અને ત્યાં મોકળી જગ્યા નહીંવત્ છે. કાલબાદેવી અને ગિરગામમાં સાંકડી ગલીઓ ઉપરાંત આ બંને વિસ્તાર રહેવાસી અને વ્યવસાયી છે. આ બધો વિચાર કરીને પુનર્વસન બાદ મેટ્રોનું કામ શરૂ થશે તો પણ તેમાં પ્રશાસને ઝડપ કરવી પડશે.    

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer