હવે સુપ્રીમ કોર્ટ સામે રાજકીય લડત

હવે સુપ્રીમ કોર્ટ સામે રાજકીય લડત
કૉંગ્રેસે આજે બોલાવી બેઠક   નવી દિલ્હી, તા.20 : સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ દીપક મિશ્રાની હકાલપટ્ટી માટે મહાભિયોગ (ઇમ્પિચમેન્ટ) પ્રસ્તાવના મુદ્દે વિપક્ષો ફરીથી સક્રિય થયા છે. આજે આ મુદ્દે ચર્ચા કરવા સંસદભવનમાં મહત્ત્વની બેઠક મળશે. સોહરાબુદ્દીન ફેક એન્કાઉન્ટર કેસના જજ લોયાના મૃત્યુની ફેરતપાસની માગણી કરતી અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી તેના બીજા જ દિવસે આ બેઠક થવાની છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે રાજ્યસભામાં વિપક્ષના નેતા અને વરિષ્ઠ કૉંગ્રેસી ગુલામ નબી આઝાદે રાજ્યસભાના સભાપતિ અને ઉપરાષ્ટ્રપતિ વૈંકયા નાયડુને મળવા માટે આજે સમય માગ્યો છે. એવું માનવામાં આવે છે કે કૉંગ્રેસના વરિષ્ઠ નેતાઓ વચ્ચે ચર્ચાવિચારણા બાદ આવી બેઠકનો નિર્ણય લેવાયો છે.  જે પાર્ટીના નેતાઓ અગાઉ જજ લોયાના મૃત્યુની ફેરતપાસની માગણી માટે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મળવા ગયા હતા તે તમામ પાર્ટીઓના નેતાઓની એક બેઠક આઝાદે આજે 11 વાગ્યે બોલાવી છે. વિપક્ષના નેતાઓની આ બેઠક બાદ આઝાદની નાયડુને મળવાની તૈયારી છે.  12 જાન્યુઆરીએ સુપ્રીમ કોર્ટના ચાર વરિષ્ઠ ન્યાયાધીશોએ પત્રકાર પરિષદ બોલાવી હતી ત્યાર બાદ પ્રથમ વાર દેશના મુખ્ય ન્યાયાધીશ વિરુદ્ધ મહાભિયોગ પ્રસ્તાવની ચર્ચા વિપક્ષોએ કરી હતી. ગુરુવારે સુપ્રીમ કોર્ટે જજ લોયાના મૃત્યુની ફેરતપાસ સંબંધી અરજીનો નિર્ણય જાહેર કર્યા બાદ કૉંગ્રેસ તરફથી આ ચુકાદા સામે પ્રશ્ન ઉઠાવાતા જણાવાયું હતું કે દેશની સર્વોચ્ચ અદાલતના ચાર જજોએ પત્રકાર પરિષદમાં પણ જજ લોયાના મૃત્યુ અંગે ચિંતા દર્શાવી હતી. આઝાદે આ મામલે ચર્ચા માટે આજે બેઠક તો બોલાવી છે પરંતુ કેટલાંક વિપક્ષોના પ્રતિનિધિઓ અન્ય કાર્યક્રમોમાં વ્યસ્ત હોવાથી આ બેઠકમાં ગેરહાજર પણ રહી શકે છે. પશ્ચિમ બંગાળના સત્તાધીશ મમતા બેનરજીની પાર્ટી તૃણમૂલ કૉંગ્રેસ તરફથી જણાવાયું હતું કે રાજ્યમાં હાલમાં પંચાયત ચૂંટણીનો ધમધમાટ ચાલી રહ્યો હોવાથી તેમના પ્રતિનિધિઓ આ બેઠકમાં હાજર રહી શકે એમ નથી. કેરળની પાર્ટી આઇયુએમએલ દ્વારા પણ અચાનક દિલ્હીની બેઠકમાં હાજર રહેવા અંગે અસમર્થતા દર્શાવી છે.  આ અગાઉ સંસદના બજેટ અધિવેશનમાં પણ દેશના મુખ્ય ન્યાયાધીશ વિરુદ્ધ મહાભિયોગ પ્રસ્તાવ વિપક્ષના એજન્ડામાં સૌથી ઉપર હતો પરંતુ કેટલીક પ્રાદેશિક પાર્ટીઓએ તેમાં સંમતી આપી નહોતી, તેથી આ પ્રસ્તાવ લગભગ અભરાઇએ મુકાયો હતો. જોકે, હવે જજ લોયા સંબંધી સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ મહાભિયોગ પ્રસ્તાવ પર વિપક્ષોમાં ફરીથી ચર્ચા થઇ રહી છે. ઉલ્લેખનીય છે કે સંસદના બજેટ અધિવેશન દરમિયાન જ 70 જેટલાં સંસદસભ્યોએ આ પ્રસ્તાવ પર હસ્તાક્ષર કરેલાં છે.    

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer