ઔરંગાબાદમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ : ઇન્ટરનેટ સેવા પૂર્વવત્ કરાઈ


ઔરંગાબાદ, તા. 15 (પીટીઆઈ) : રમખાણગ્રસ્ત ઔરંગાબાદ શહેરની સ્થિતિ હિંસાના ચાર દિવસ બાદ આજે તંગદિલીભરી છતાં નિયંત્રણ હેઠળ રહી હતી. પોલીસે છ કેસ નોંધ્યા હતા. જેમાં અંદાજે 3000 અજ્ઞાત વ્યક્તિ સામે આગજની, રમખાણ અને જાહેર મિલકતને નુકસાન પહોંચાડવા જેવા ગુના નોંધવામાં આવ્યા હોવાનું એક અધિકારીએ જણાવ્યું હતું.
તેમણે કહ્યું હતું કે શહેરમાં આજે સવારે ઇન્ટરનેટ સેવા પૂર્વવત્ કરાઈ હતી તેમ જ સીઆરપીસીની કલમ 144 હેઠળના પ્રતિબંધાત્મક આદેશો પાછા ખેંચી લેવામાં આવ્યા હતા.
સ્થાનિક પોલીસ ઉપરાંત સાત રાજ્ય અનામત પોલીસ દળની ટુકડીઓને રમખાણગ્રસ્ત વિસ્તારોમાં તહેનાત કરવામાં આવી હતી. વધારાના ડીજીપી બિપીન બિહારીએ શહેરની સ્થિતિની સમીક્ષા કર્યા બાદ કબૂલ્યું હતું કે પોલીસ હિંસા અટકાવવામાં તેમ જ રમખાણકારો સામે પગલાં લેવામાં નિષ્ફળ ઠરી હતી.
કાર્યવાહક પોલીસ કમિશનર મિલિંદ ભારામ્બે હિંસા અટકાવી નહીં શકવા બદલ શહેરના એક પોલીસ ઇન્સ્પેક્ટર સામે કરેલા આક્ષેપોની તપાસ માટે એસઆઈટીની રચના કરાઈ છે એમ બિહારીએ જણાવ્યું હતું.
આ પહેલાં હિંસાચાર દરમિયાન રમખાણકારો સાથે ચાલી રહેલા કેટલાક પોલીસોને દર્શાવતો નવ મિનિટનો કથિત વીડિયો વાઇરલ થતાં રાજ્ય પોલીસને આ ઘટનાની તપાસનો આદેશ આપવો પડયો હતો. પાછળથી એક અન્ય વીડિયોમાં કેટલાક રમખાણકારો સાથે ઔરંગાબાદના શિવસેનાના સાંસદ ચંદ્રકાંત ખૈરેને કથિતપણે દર્શાવતો વીડિયો પણ વાઇરલ થયો હતો.
`અમે વીડિયો રેકર્ડિંગ કરનારા લોકોને તેનું ફૂટેજ પોલીસ પાસે જમા કરાવવા કહ્યું હોઈ તેની ખરાપણાની ચકાસણી કર્યા બાદ જો તેમાં અમને પોલીસની સંડોવણી જણાશે તો યોગ્ય કારવાઈ કરવામાં આવશે' એમ બિહારીએ વધુમાં જણાવ્યું હતું.
ગત 11 મેએ ગેરકાયદે પાણી જોડાણના મુદ્દે બે કોમના જૂથો વચ્ચે થયેલી અથડામણોમાં બે શખસો (એક 65 વર્ષીય વૃદ્ધ અને એક 17 વર્ષનો યુવક) માર્યા ગયા હતા જ્યારે ડઝનેક પોલીસો સહિત 60 જણા ઘાયલ થયા હતા.
રમખાણોમાં અનેક દુકાનો સળગાવાઈ હતી તેમ જ સંખ્યાબંધ વાહનોને આગ ચાંપવામાં આવી હતી. પોલીસને ઝડતી દરમિયાન પેટ્રોલ બૉમ્બ અને કેરોસીનમાં ડૂબાડેલા ચીંથરાનો જથ્થો મળી આવ્યો હતો.
દરમિયાન એઆઈએમઆઈએમના વિધાનસભ્ય ઇમ્તિયાઝ જલીલે જણાવ્યું હતું કે `નાગરિકોએ બનાવેલી વીડિયો ક્લીપ્સ આ રમખાણોમાં કોનો હાથ હતો તેના પુરાવા દર્શાવે છે. રમખાણકારો પોતે જ એવા બીજાઓ વિરુદ્ધ કારવાઈ કરવાનું પોલીસને જણાવી રહ્યા છે, જેમણે નુકસાન સહન કરવું પડયું છે. તમામ કસૂરવારોને સખત સજા થવી જોઈએ.'
તેમણે વધુમાં કહ્યું હતું કે `અમારી માગણી છે કે ફડણવીસ સરકાર કારવાઈ કરે પરંતુ અમને તેની ખાસ આશા જણાતી નથી.'

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer