પ્રવાસી ભારતીય દિવસ અને કુંભમેળાની સાથે યોજાશે વાઈબ્રન્ટ ગુજરાત સમિટ-2019

પ્રવાસી ભારતીય દિવસ અને કુંભમેળાની સાથે યોજાશે વાઈબ્રન્ટ ગુજરાત સમિટ-2019

નવી દિલ્હી, તા. 15 : વાઈબ્રન્ટ ગુજરાત-2019 પ્રવાસી ભારતીય દિવસ અને કુંભ મેળાની સાથે 18થી 20 જાન્યુઆરી સુધી યોજાશે. ભારતના મૂડીરોકાણ માટેના કેન્દ્ર તરીકે ગુજરાતને પ્રસ્થાપિત કરનારી આ ફલેગશિપ ઈવેન્ટનો થીમ, વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વિકાસના `ગુજરાત મોડેલ'ને ચરિતાર્થ કરવા માટે તેમના `નૂતન ભારત'ના વિઝનને રજૂ કરશે.
એક અગ્રણી અંગ્રેજી અખબાર સાથે વાર્તાલાપમાં ગુજરાતના મુખ્ય સચિવ જે. એન. સિંઘે જણાવ્યું હતું કે આ વખતે મહત્ત્વનો ભાર મૂકનારા ક્ષેત્રો એરોસ્પેસ અને સંરક્ષણ હશે.
ઉપરાંત આ વખતની સમિટમાં વિદેશમાં તેમ જ દેશમાં બહુરાષ્ટ્રીય કંપનીઓનું નેતૃત્વ કરી રહેલી ભારતીય યુવા પ્રતિભાઓ નવીન વિચારોની આપ-લે કરશે. આ વખતની સમિટમાં માત્ર મૂડીરોકાણ પર જ ધ્યાન કેન્દ્રિત નહીં કરાય, પરંતુ વ્યાપાર તથા સેવાઓ (સર્વિસીસ) ક્ષેત્ર પર પણ વિશેષ ધ્યાન અપાશે, કારણ કે ભારતીય અર્થતંત્રમાં સેવા ક્ષેત્રમાં મોટી સંખ્યામાં નોકરીઓ સર્જાઈ છે.
સિંઘે વધુમાં કહ્યું હતું કે રોજગારી સર્જન માટે યુવાલક્ષી અભિગમને આગળ ધપાવવાની વડા પ્રધાનની ઈચ્છા છે. આ વખતે અમે ઈ-મોબિલિટી અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ પર પ્રકાશ પાડશું. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer