રાજ્યપાલ વજુભાઈ વાળા સરકાર રચવા કોને આમંત્રણ આપશે?

રાજ્યપાલ વજુભાઈ વાળા સરકાર રચવા કોને આમંત્રણ આપશે?

આનંદ કે. વ્યાસ તરફથી
નવી દિલ્હી, તા. 15 : કર્ણાટકમાં સરકાર રચવા કૉંગ્રેસ કે ભાજપને સ્પષ્ટ જનાદેશ ન મળતાં અને રાજ્યમાં ત્રિશંકુ વિધાનસભાની પરિસ્થિતિ સર્જાતા હવે સૌની નજર ગવર્નર વજુભાઈ વાળા પર ટકેલી છે જેઓ ગુજરાતના ભૂતપૂર્વ ભાજપ નેતા છે, જેમણે એક વેળા નરેન્દ્ર મોદી માટે તેમની બેઠક ખાલી કરી હતી અને તત્કાલીન મુખ્ય પ્રધાન મોદીના પ્રધાનમંડળમાં નાણાપ્રધાન રહી ચૂક્યા હતા.
જો વજુભાઈ વાળા પરંપરાને અનુસરશે તો તેઓ સૌથી મોટા પક્ષ ભાજપને સૌ પ્રથમ સરકાર રચવાનું આમંત્રણ આપશે, પરંતુ તાજેતરના ભૂતકાળમાં આ પરંપરાનું અનુસરણ ગોવા અને મણિપુરમાં કરવામાં આવ્યું નથી જ્યાં કૉંગ્રેસ સૌથી મોટો પક્ષ રહી હતી. એટલે કર્ણાટકમાં ગવર્નરની ભૂમિકા મહત્ત્વની બની રહેશે.
કર્ણાટકમાં ભાજપ સૌથી મોટા પક્ષ તરીકે ઊભરી આવ્યો હોવા છતાં તે બહુમતી મેળવી શકયો નથી. કૉંગ્રેસે ગોવા અને મણિપુરમાંની પોતાની ભૂલોમાંથી બોધપાઠ લઈને અચાનક જેડી (એસ)ને ટેકો જાહેર કરતાં આશ્ચર્ય સર્જ્યું હતું. દેવ ગૌડાના પક્ષે કૉંગ્રેસના સમર્થનનો સ્વીકાર કર્યો છે અને કર્ણાટકમાં સરકાર રચવાનો દાવો રજૂ કરશે.
કૉંગ્રેસ અને જનતા દળ (એસ)નું ચૂંટણી પહેલાં કોઈ જોડાણ નહીં હોવાથી તેમને સરકાર રચવા આમંત્રણ આપવું કે નહીં તે હવે ગવર્નરના હાથમાં છે. આવું જોડાણ થતાં કર્ણાટકમાં સરકાર રચવાની ભાજપની આશા પર ઠંડું પાણી ફરી ગયું છે. ભાજપે ત્રણ વરિષ્ઠ પ્રધાનો ધર્મેન્દ્ર પ્રધાન, પ્રકાશ જાવડેકર અને જે.પી. નડ્ડાને કર્ણાટક મોકલ્યા છે જેથી સરકાર રચવા જરૂરી સંખ્યા મેળવવા કોઈ શક્ય જોડાણ કરી શકાય. જોકે, ગવર્નર પાસે કેટલાક વિકલ્પો છે. પ્રથમ વિકલ્પ તરીકે ગવર્નર વજુભાઈ વાળા સૌથી મોટા પક્ષ ભાજપને સરકાર રચવાનું આમંત્રણ આપી શકે. બીજા વિકલ્પ તરીકે કૉંગ્રેસના ટેકા સાથે જનતા દળ (એસ)ના કર્ણાટકના પ્રમુખ એચ.ડી. કુમારસ્વામી આગામી સરકાર રચવા દાવો કરી શકે. કૉંગ્રેસે જનતા દળ (એસ)ને ટેકો જાહેર કરી દીધો છે. ગવર્નર જેડી (એસ) કૉંગ્રેસનાં જોડાણને સરકાર રચવાનું આમંત્રણ આપી શકે. ત્રીજા વિકલ્પ તરીકે ગવર્નર કર્ણાટક વિધાનસભાને સુષુપ્ત અવસ્થામાં રાખી શકે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer