કર્ણાટકમાં ભાજપનો વિજય અસામાન્ય અને અભૂતપૂર્વ : મોદી

કર્ણાટકમાં ભાજપનો વિજય અસામાન્ય અને અભૂતપૂર્વ : મોદી

પ્રમોદ મુઝુમદાર તરફથી
નવી દિલ્હી, તા. 15 : ભાજપ માટે ઇમેજ બનાવવામાં આવી છે કે તે ઉત્તર ભારતનો અને હિન્દી ભાષીઓનો પક્ષ છે. વાસ્તવમાં અમારો પક્ષ ગુજરાત, આસામ, ગોવા અને મહારાષ્ટ્ર જેવાં રાજ્યોમાં પણ સત્તા ધરાવે છે. કર્ણાટક વિધાનસભાની ચૂંટણીને લીધે હિન્દીભાષી હોવાની આ ધારણા ગેરસમજ છે તે કર્ણાટકવાસીઓએ ખોટી પાડી છે એમ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે.
કર્ણાટક વિધાનસભામાં ઉત્તમ દેખાવ પછી પાટનગરમાં ભાજપના મુખ્યાલયમાં કાર્યકરોને સંબોધતા મોદીએ જણાવ્યું હતું કે કર્ણાટકમાં પક્ષનો વિજય અભૂતપૂર્વ અને અસામાન્ય છે.
વડા પ્રધાને પોતાના સંબોધનની શરૂઆતમાં ઉત્તર પ્રદેશમાં વારાણસી ખાતે બાંધકામ હેઠળનો પુલ તૂટી પડતાં થયેલી દુર્ઘટનામાં મરણ પામનારાઓ પ્રત્યે દુ:ખ વ્યક્ત કર્યું હતું.
વડા પ્રધાને જણાવ્યું હતું કે ભાજપ દેશના ખૂણે ખૂણા સુધી પ્રસર્યો છે. અમારો પક્ષ લોકોને સંતોષ આપવા માટે સમર્પિત છે. એક ભારત શ્રેષ્ઠ ભારતના સપનાને સાકાર કરવા કાર્ય કરનારો પક્ષ છે. સ્વાતંત્ર્યપ્રાપ્તિ પછી કેન્દ્રમાં એક જ પક્ષ લાંબો સમય સત્તા ઉપર રહ્યો તેના કારણે અનેક સમસ્યાઓ ઊભી થઈ છે. એક રાજકીય પક્ષ માત્ર ચૂંટણી લક્ષી રાજકારણ માટેના ક્ષુલ્લક સ્વાર્થ ખાતર ભારતના બંધારણીય માળખા, સમવાય તંત્ર અને તેની ભાવનાને આંચકો આપે એવું કૃત્ય કરે છે. ઉત્તર અને દક્ષિણ ભારત વચ્ચેની ખેંચતાણ અને રાજ્યો વચ્ચે તાણ પેદા થાય એવી વાત કરે છે. ચૂંટણી આવે અને જાય છે. તેમ જ હારજીત પણ થતી રહે છે. 
આમ છતાં દેશના મૂળભૂત પ્રતિષ્ઠાનો અને લોકશાહી ઉપર આઘાત થવો એ મોટી ચિંતાનો વિષય છે.
કર્ણાટકના લોકોને ખાતરી આપતા મોદીએ કહ્યું હતું કે, કર્ણાટકના વિકાસ માટે અમે કામ કરતા રહીશું. લોકશાહી માળખાને નબળું કરવાના તમામ પ્રયાસો થયા હતા. મોદીએ પશ્ચિમ બંગાળમાં પંચાયત ચૂંટણીમાં થયેલી હિંસાનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, લોકશાહીની હત્યા કરવામાં આવી હતી. ઉમેદવારીપત્ર ભરવાની પ્રક્રિયાથી લઇને મતદાનના દિવસ સુધી હિંસાનો દોર ચાલ્યો હતો. મોદીએ ઉમેર્યું હતું કે, કર્ણાટકના સંદર્ભમાં પાર્ટી પ્રમુખ અમિત શાહે તેમને વાત કરી છે. કર્ણાટકમાં તમામ વિપરીત પરિસ્થિતિ છતાં પાર્ટીએ ઉત્તમ દેખાવ કર્યો છે. ચૂંટણી માટે સખત પરિશ્રમ કરવામાં આવ્યો હતો. રાષ્ટ્રીય પ્રમુખે પણ ભારે મહેનત કરી હતી. એક આદર્શ નેતા કામ કઇ રીતે થઇ શકે છે તેને જોવામાં આવે તો અન્યત્ર જવાની જરૂર નથી. કર્ણાટકમાં રાષ્ટ્રીય પ્રમુખનાં કામને જોઇ શકાય છે. પાર્ટીના અનેક કાર્યકરોની હત્યા કરવામાં આવી હતી. બોગસ વાટિંગ કાર્ડ ઊભા કરવામાં આવ્યાં હતાં. દેશના બંધારણીય માળખાને નુકસાન પહોંચાડવાના પ્રયાસ પણ થઇ રહ્યા છે પરંતુ અમે આને ક્યારે પણ સાંખી લઈશું નહીં. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer