નીરવ મોદી કૌભાંડ : PNBના કર્મચારીઓ પર અમેરિકાની કોર્ટનો તપાસનો ગાળિયો

નીરવ મોદી કૌભાંડ : PNBના કર્મચારીઓ પર અમેરિકાની કોર્ટનો તપાસનો ગાળિયો

મુંબઈ, તા. 16 : હીરાના વેપારી નીરવ મોદીની સંડોવણી સાથે થયેલા કથિત કૌભાંડમાં પંજાબ નેશનલ બૅન્કના કર્મચારીઓની ભૂમિકાની તપાસ અમેરિકાની કોર્ટ દ્વારા કરવામાં આવશે. ન્યૂ યોર્કના સધર્ન ડિસ્ટ્રિક્ટ માટેની બૅક્રપ્સી કોર્ટે 4 મેના રોજ આપેલા આદેશમાં જણાવ્યું હતું કે, તપાસ કરવી જોઈએ અને બૅન્કના કર્મચારીઓની તપાસ થવી જોઈએ. અમેરિકાની કોર્ટના પ્રતિનિધિઓ, પીએનબીના અધિકારીઓ અને ભારતના કોર્પોરેટ બાબતોના મંત્રાલય વચ્ચે અનેક વખત ચર્ચાઓ થઈ હતી.
સૌપ્રથમ એક અખબારમાં આઠ મેના રોજ લખ્યું હતું કે, નીરવ મોદીની કંપનીઓ ફાયરસ્ટાર ડાયમંડ ઈન્ક, એ જેફ ઈન્ક અને ફેન્ટસી ઈન્ક સામે બૅક્રપ્સી કાર્યવાહી અંગેનો નિર્ણય લેતાં પહેલાં મોદી દ્વારા કથિત કૌભાંડમાં તપાસ કરવા માટે કોર્ટે અલ્વારેઝ ઍન્ડ માર્શલની નિમણૂક કરી છે. કોર્ટ ઈચ્છે છે કે, તપાસકર્તા દ્વારા પીએનબીની ભૂમિકાની તપાસ કરવામાં આવે.
કોર્ટના આદેશ મુજબ, ``લોન લેનારી કંપનીઓના ચોપડા અને રેકોર્ડ્સનું ફોરેન્સિક ફાઈનાન્શિયલ એનાલિસિસ કરવામાં આવે, બૅન્ક રેકોર્ડ્સ, વેન્ડર રેકોર્ડ્સ અને તપાસ સાથે સંકળાયેલી અન્ય કોઈ પણ કંપનીની કે માહિતીની ફોરેન્સિક તપાસ કરવામાં આવે અને કયા કારણસર આ કથિત કૌભાંડ હેઠળ પૈસાની મૂવન્ટ થઈ તેનો ચોક્કસ તાગ મેળવવામાં આવે.'' પીએનબીને આ અંગે મોકલેલી ઈ-મેઈલ પ્રશ્નોત્તરીનો કોઈ જવાબ મળ્યો નથી. કોર્ટના આદેશ પ્રમાણે, જે તપાસકર્તાની નિમણૂક કરવામાં આવી છે તેની પાસે લોન લેનારા તેમ જ એકાઉન્ટિંગ અને ઓડિટ કરનારા વર્તમાન અને ભૂતપૂર્વ પ્રોફેશનલના ઈન્ટરવ્યૂ કરવાની સત્તા હશે. જો સાક્ષી સહકાર આપવાનો ઈનકાર કરે તો તપાસ કરનાર અધિકારી તેની સામે કાનૂની કાર્યવાહી પણ કરી શકશે.
ઉલ્લેખનીય છે કે, નીરવ મોદી અને તેના કાકા મેહુલ ચોક્સીએ કેટલાક બૅન્કના અધિકારીઓ સાથે મળીને ખોટા લેટર્સ અૉફ અંડરટેકિંગ્સ (એલઓયુએસ) દ્વારા પીએનબીને રૂા. 14,000 કરોડનો ચૂનો લગાવ્યો હતો. બૅન્કે પણ બૅક્રપ્સી કોર્ટમાં પ્રતિનિધિત્વ કરવા માટે અમેરિકામાં કાનૂની કંપની શાર્દૂલ અમરચંદ મંગલદાસ અને વકીલોની નિમણૂક પણ કરી છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer