રાહુલ ગાંધી મૌન તોડશે? કૉંગ્રેસને ભાવિની ચિંતા

રાહુલ ગાંધી મૌન તોડશે? કૉંગ્રેસને ભાવિની ચિંતા

નવી દિલ્હી, તા. 16 : કર્ણાટકમાં ભાજપને મળેલી મોટી જીત પછી કૉંગ્રેસની છાવણીમાં સોપો પડી ગયો છે. અપવાદરૂપ નેતા બાદ કરતા કોઈ પણ નેતા પ્રત્યાઘાત આપવા તૈયાર નથી. આ બધામાં કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીનું મૌન પક્ષના નેતાઓ, કાર્યકર્તાઓને ચોંકાવી રહ્યું છે ત્યારે લોકોને માટે આશ્ચર્યનો વિષય બન્યો છે. `ચોરની મા કોઠીમાં મોં ઘાલી રૂએ' એવો ઘાટ ખુદ કૉંગ્રેસે ઘડયાનું બોલાઈ રહ્યું છે. દેશને કર્ણાટક રાજ્ય ખોવા બદલ રાહુલ ગાંધીના પ્રત્યાઘાતની અપેક્ષા-પ્રતિક્ષા છે, પરંતુ કર્ણાટક ચૂંટણીના પરિણામ પછી રાહુલ કયાં ગુમ થઈ ગયા છે તેની કોઈને જાણ નથી. કૉંગ્રેસને તેના ભાવિની ચિંતા સતાવી રહી છે.
હવે રાહુલ અને કૉંગ્રેસના નેતાઓ હાર અંગે આત્મમંથન કરી રહ્યા છે, કારણ કે રાહુલ ગાંધી પ્રચારમાં ઊતરવાથી અને તેમણે પ્રચાર માટે ભરપૂર સમય આપ્યો હોવાને લઈ આપણો વિજય નક્કી છે એમ કૉંગ્રેસ નેતાઓને અને રાહુલને લાગતું હતું. ઝંઝાવાતી મુલાકાતો કરનારા નેતા હોવા છતાં કાર્યકર્તાઓની અછત કૉંગ્રેસને વર્તાતી હતી. સભાઓ મોટી થતી હતી પણ વાસ્તવમાં મતદાર સુધી પહોંચવાની યંત્રણા પક્ષ પાસે હતી નહીં.
સિદ્ધારમૈયા સિવાય રાજ્યભરમાં સ્થાન ધરાવતા અને સર્વત્ર પ્રચાર કરી શકે એવો એક પણ પ્રાદેશિક નેતા કૉંગ્રેસ પાસે હતો નહીં અને જે નાના મોટા નેતા હતા તેઓ ખુદના વિજય માટે ઝઝૂમતા હોઈ પોતાના મતદાર ક્ષેત્રમાં રહ્યા હતા. અનેક મતદાર ક્ષેત્રો જોડી રાહુલ ગાંધીની એક સભા યોજી પોતે જીત અંકે કરી લીધી છે એમ માનતા હતા. રાહુલ ગાંધી પણ સભાઓમાં પ્રચંડ હાજરી અને નેતાઓની વાહવાહથી એવા પોરસાઈ ગયા હતા કે તેમણે કર્ણાટકની ચૂંટણીમાં 2019માં ભાજપનો મૃત્યુઘંટ વાગતો સંભળાતો હતો, પરંતુ બન્યું ઊલટુ. રાહુલ ગાંધીને હવે સમજાઈ ગયું છે કે મોદીના આક્રમક પ્રચાર સામે તેમનો પ્રચાર વામણો પુરવાર થયો છે. કૉંગ્રેસની હાર માટે હવે ખુદ પર નહીં બીજા પર દોષનો ટોપલો ઓઢાડવા માટે કહેવાય છે. રાહુલ ગાંધી પોતાના સાથીઓ સાથે સલાહ-મસલત કરી રહ્યા છે.
આ પછી જ તેઓ કર્ણાટકની હાર બદલ પ્રત્યાઘાત આપશે એમ જણાય છે.
અહીં ઉલ્લેખ કરવો ઘટે કે કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં કૉંગ્રેસને કર્ણાટકના છ રાજકીય ઝોનમાં શિકસ્ત મળી છે અને એ પૈકી ત્રણ ઝોન તો તેના ગઢ ગણાતા હતા.
કૉંગ્રેસની કોસ્ટલ કર્ણાટક, સેન્ટ્રલ કર્ણાટક, હૈદરાબાદ-કર્ણાટક અને જૂના મૈસુરના પોતાના ગઢમાં પણ બેઠકો ઘટી છે. મુંબઈ-કર્ણાટક, બેંગ્લુરુ-કર્ણાટક અને હૈદરાબાદ-કર્ણાટકમાં પણ ભાજપને વધુ બેઠકો મળી છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer