નબળાં કંપની પરિણામો અને ક્રૂડતેલના ઊંચા ભાવને પગલે સૂચકાંકો ખરડાયા

નબળાં કંપની પરિણામો અને ક્રૂડતેલના ઊંચા ભાવને પગલે સૂચકાંકો ખરડાયા
સતત પાંચમા સત્રમાં
વાણિજ્ય પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 21 : સકારાત્મક વૈશ્વિક સંકેતો છતાં મિડકેપ કંપનીઓનાં નબળાં પરિણામો અને ક્રૂડતેલના વધતા ભાવ સાથે ધોવાતા રૂપિયાને કારણે બેન્ચમાર્ક ઈક્વિટી સૂચકાંકો સતત પાંચમા સત્રમાં ઘટયા હતા. કર્ણાટકમાં ભાજપ સરકાર ઘડી નહીં શકતા રોકાણકારોનું સેન્ટિમેન્ટ ખોરવાતા નિફ્ટી એક મહિનાની નીચલી સપાટીએ સ્પર્શયો હતો.
બ્લુ-ચીપ પ્રાઈવેટ ક્ષેત્ર તેમનું ઊંચું મૂલ્યાંકન જાળવી શકશે કે નહીં એ ચિંતાએ રોકાણકારોએ રક્ષણાત્મક વલણ અપનાવ્યું હોવાનું દેખાય છે. આજે સેન્સેક્ષ 232.17 પોઈન્ટ્સ (0.7 ટકા) ઘટીને 34616.13 ઉપર બંધ રહ્યો હતો, જ્યારે નિફ્ટી 79.70 પોઈન્ટ્સ (0.8 ટકા) ઘટીને 10516.70 ઉપર બંધ રહ્યો હતો. નિફ્ટી-50માં 15 શૅર વધ્યા હતા, 33 શૅર ઘટયા હતા અને બે શૅર સ્થિર રહ્યા હતા. એનએસઈમાં 367 શૅર વધ્યા હતા, 1384 શૅર ઘટયા હતા અને 308 શૅર સ્થિર રહ્યા હતા. સેન્સેક્ષના 6 શૅર્સ વધ્યા હતા અને 25 શૅર્સ ઘટયા હતા. બીએસઈમાં 679 શૅર્સ વધ્યા હતા, 1970 શૅર્સ ઘટયા હતા અને 153 શૅર્સ સ્થિર રહ્યા હતા. નિફ્ટી એફએમસીજી સૂચકાંક 0.62 ટકા, નિફ્ટી મેટલ સૂચકાંક 1.68 ટકા અને નિફ્ટી ફાર્મા સૂચકાંક 2.78 ટકા ઘટયો હતો. 
નાદારી પ્રક્રિયા હેઠળના પ્રથમ કેસ ભૂષણ સ્ટીલનું સેટલમેન્ટ થતા સરકાર હસ્તક બૅન્કોના શૅર્સમાં વધારો થયો હતો. તાતા સ્ટીલે ભૂષણ સ્ટીલનો 72.65 ટકા હિસ્સો હસ્તગત કર્યો છે. એક ડિલરે કહ્યું કે, અમને સરકાર હસ્તક બૅન્કો જેવી કે સ્ટેટ બૅન્ક અૉફ ઇન્ડિયા, પંજાબ નેશનલ બૅન્ક, બૅન્ક અૉફ ઇન્ડિયા અને કેનેરા બૅન્કમાં કેટલાક સકારાત્મક રિ-રેટિંગ જોવા મળી રહ્યું છે. એસબીઆઈ 2.3 ટકા વધ્યો હતો. જ્યારે  બૅન્ક અૉફ ઇન્ડિયા 4.8 ટકા, પંજાબ નેશનલ બૅન્ક 4.6 ટકા અને કેનેરા બૅન્ક 4.2 ટકા વધ્યો હતો. ભૂષણ સ્ટીલનો શૅર 4.9 ટકા વધ્યો હતો. જોકે તાતા સ્ટીલનો શૅર 2.4 ટકા ઘટયો હતો. 
ત્રિવેણી મેનેજમેન્ટ કન્સલટન્સી સર્વિસીસના ટ્રેડિંગના મેનેજર રાજુ કટિરાએ કહ્યું કે, રોકાણકારોનું મનોબળ ઓછું થયું છે. 
બોન્ડની ઉપજ અને વૈશ્વિક ક્રૂડતેલના ભાવ વધવાથી ફુગાવા ઉપર અસર પડી રહી છે, જેથી શૅરના ભાવ વધતા નથી, એમ એક ડિલરે કહ્યું હતું. તાતા કન્સલટન્સી સર્વિસીસે 2 જૂનને બોનસ ઈસ્યૂની રેકર્ડ ડેટ નક્કી કરતા શૅર 1.6 ટકા વધ્યો હતો. જ્યારે સેન્ચુરી ટેક્સ્ટાઈલ તેનો સિમેન્ટ વેપાર શૅર સ્વેપ રેશિયો દ્વારા અલ્ટ્રાટેકને વેચવાના અહેવાલે રોકાણકારોનું સેન્ટિમેન્ટ ખોરવાતા સેન્ચુરીનો શૅર 5.6 ટકા ઘટયો હતો. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer