સોનામાં વધુ ઘટાડો : ભાવ ઘટીને રૂા. 31,060

સોનામાં વધુ ઘટાડો : ભાવ ઘટીને રૂા. 31,060
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 21: અમેરિકા અને ચીન વચ્ચેનું વેપારયુદ્ધ આગળ વધતું અટકીને થંભી ગયું છે એવી જાહેરાત સોમવારે ટ્રેઝરી સેક્રેટરી સ્ટિવન નૂચીન દ્વારા કરવામાં આવી હતી. આ સમાચારની અસરથી ડૉલર અને બોન્ડ યીલ્ડમાં સુધારો થવાથી સોનું 2018ની નવી તળિયાની સપાટીએ પહોંચ્યું હતું. ન્યૂ યોર્ક સોનું 1281 ડૉલર થઇને 1286 ઉપર રનિંગ હતું. ડૉલર-બોન્ડને લીધે સોનામાં ખાસ વળતર દેખાતું નથી એટલે રોકાણકારો વેચવાલી કાઢી રહ્યા છે.
ડૉલર પણ 2018ની ટોચ ઉપર છે અને 10 વર્ષના ટ્રેઝરી બોન્ડએ પણ 3.05 ટકા કરતા વધારે વળતર આપ્યું હતું. આ ટકાવારી 2011 પછી પહેલી વખત જોવા મળી છે તેમ મિત્સુબિશીના વિશ્લેષક જોનાથન બટલરે કહ્યું હતુ. અમેરિકાની શૅરબજાર અત્યાર સુધીની ટોચ ઉપર છે. ઉપરાંત અમેરિકામાં રોજગારી પણ વધે તેમ દેખાય રહ્યું છે એટલે પણ સોનામાં વેચવાલી છે. જો ફુગાવો અપેક્ષા કરતા ન વધે તો સોનામાં રિલીફ રેલી આવી શકે છે. એ સિવાય હજુ કરેક્શન આવવાની પૂરતી શક્યતા દેખાય રહી છે. હવે આવતા મહિને ફેડરલ રિઝર્વની બેઠક મળી રહી છે. બેઠકમાં વ્યાજદર અંગે ચર્ચા થવાની છે. વ્યાજદર વધે તેવી શક્યતા હાલ તો દેખાય છે છતાં ફુગાવાના કારણો ફેડ દ્વારા પહેલા તપાસવામાં આવશે.
દરમિયાન રાજકોટમાં 24 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામે રૂા.150ના ઘટાડા સાથે રૂા.31,850 હતો. મુંબઈમાં રૂા.35ના મામૂલી ઘટાડે રૂા.31,060 હતો. ન્યૂ યોર્ક ચાંદી 16.36 ડૉલર હતી. સ્થાનિક બજારમાં ચાંદી એક કિલોએ રૂા.100ના ઘટાડે રૂા. 40,300 અને મુંબઈમાં રૂા. 70 ઘટીને રૂા. 39,715 હતો.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer