સેન્ચુરી ટેક્સ્ટાઈલના શૅરહોલ્ડર્સને 8 શૅરદીઠ અલ્ટ્રાટેકનો 1 શૅર મળશે

સેન્ચુરી ટેક્સ્ટાઈલના શૅરહોલ્ડર્સને 8 શૅરદીઠ અલ્ટ્રાટેકનો 1 શૅર મળશે
મુંબઈ, તા.21 : અલ્ટ્રાટેક શૅર સ્વોપ દ્વારા સેન્ચુરી ટેક્સ્ટાઈલનો સિમેન્ટ બિઝનેસ હસ્તગત કરશે. આ પુર્નરચનામાં સેન્ચુરી ટેક્સ્ટાઈલના શૅરહોલ્ડર્સને તેમના આઠ ઈક્વિટી શૅર સામે અલ્ટ્રાટેક સિમેન્ટનો રૂા.10ની કિંમતનો એક શૅર મળશે. આ પુર્નરચનામાં અલ્ટ્રાટેક 1.4 કરોડ નવા ઈક્વિટી શૅર ઈસ્યૂ કરશે જેથી તેની ઈક્વિટી મૂડી વધીને રૂા.288.58 કરોડની થશે. આના કારણે અલ્ટ્રાટેકની સિમેન્ટ ઉત્પાદન ક્ષમતા 13.4 ટન વધશે, જેની સારી અસર પડશે, એમ અલ્ટ્રાટેકે નિવેદનમાં જણાવ્યું છે. આ સિવાય અલ્ટ્રાટેકની પૂર્વ અને મધ્ય ભારતનાં બજારોમાં હાજરી વધશે અને આ પ્રદેશોમાં તેનો બજાર હિસ્સો વધશે. દેશની સૌથી મોટી એવી આ કંપની ઉત્તર, દક્ષિણ અને પશ્ચિમ ભારતનાં બજારોમાં ટોચનું સ્થાન ધરાવે છે.
જોકે કંપનીએ હજી નિયામક ઉપરાંત શૅરહોલ્ડર્સ, લેણદારો, શૅરબજારો અને એનસીએલટીની મંજૂરી લેવાની બાકી છે. આ સોદો પૂરો થતાં છથી નવ મહિના લાગશે. અલ્ટ્રાટેકના મેનેજિંગ ડિરેક્ટર કેકે મહેશ્વરીએ કહ્યું હતું કે, અલ્ટ્રાટેક નિકાસના તબક્કામાં છે. સેન્ચુરીનો સિમેન્ટ બિઝનેસ હસ્તગત કરવાથી કંપનીને તૈયાર ઉત્પાદન ક્ષમતા મળશે, જે અમે વિકસાવશું. સેન્ચુરીના દેવાંને ગણતરીમાં લીધા બાદ અલ્ટ્રાટેકનું કુલ દેવું રૂા.17,000 કરોડનું થશે. મહેશ્વરીએ ઉમેર્યું કે કંપની દર વર્ષે રોકડ કમાય છે, આ દેવું મર્યાદાની અંદર છે.
સેન્ચુરીના સિમેન્ટ બિઝનેસના ત્રણ ઈન્ટિગ્રેટેડ પ્લાન્ટ છે- મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને મહારાષ્ટ્ર. તેની કુલ ઉત્પાદન ક્ષમતા 11.4 ટનની છે, આ ઉપરાંત પશ્ચિમ બંગાળમાં 2 ટનના ગ્રાઈન્ડિંગ યુનિટ છે. માર્ચ, 18ના પૂરા થતા વર્ષમાં કંપનીએ રૂા.4306 કરોડની આવક ઉપર કાચો નફો રૂા.492 કરોડનો 
કર્યો હતો.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer