વિધાનપરિષદની છ બેઠકો માટે 99 ટકાથી વધુ મતદાન, પરિણામ ગુરુવારે

મુંબઈ, તા. 21 (પીટીઆઈ): મહારાષ્ટ્રમાં વિધાનપરિષદની છ બેઠકો માટે આજે મતદાન થયું હતું. આ બેઠકો માટે મહત્ત્વના રાજકીય પક્ષોએ સમજૂતી કરી હતી.
નાશિકમાં 100 ટકા, ઉસ્માનાબાદ-બીડ-લાતુરમાં 99.99 ટકા, રાયગઢ-રત્નાગિરિ-સિંધુદુર્ગમાં 99.57 ટકા, પરભણી-હિંગોલીમાં 99.60 ટકા, અમરાવતીમાં 99.80 ટકા અને વર્ધા-ચંદ્રપુર-ગઢાચીરોલીમાં 99.72 ટકા મતદાન થયું હતું. મહારાષ્ટ્ર વિધાનપરિષદમાંથી રાષ્ટ્રવાદીના ત્રણ, ભાજપના બે અને કૉંગ્રેસના એક એમ કુલ છ સભ્યો આવતી 21મી જૂને નિવૃત્ત થવાના છે. તેથી આ ચૂંટણી યોજવામાં આવી હતી. આ ચૂંટણી માટેની મતગણતરી આવતા ગુરુવારે હાથ ધરવામાં આવશે.
ઉસ્માનાબાદ-બીડ-લાતુરની બેઠક ઉપર આખા મહારાષ્ટ્રની નજર છે. ભાજપના નેતા અને ગ્રામવિકાસ પ્રધાન પંકજા મુંડેના નિકટના સાથી રમેશ કરાડને રાષ્ટ્રવાદી કૉંગ્રેસે ટિકિટ આપી હતી. જોકે ઉમેદવારીપત્ર ભર્યા પછી કરાડે ચૂંટણી જંગમાંથી પીછેહઠ કરવાની ઘોષણા કરી હતી. તેથી રાષ્ટ્રવાદીએ નાછૂટકે અપક્ષ ઉમેદવાર અશોક જગદાળેને ટિકિટ આપવાની જાહેરાત કરી હતી. આ બેઠક ઉપર ભાજપે રાષ્ટ્રવાદી છોડીને આવેલા સુરેશ ધસને ઉમેદવારી આપી છે. આજે મતદાન પછી ધસે જણાવ્યું હતું કે મને વિજયનો વિશ્વાસ છે.
મહારાષ્ટ્રના ઉદ્યોગ રાજ્ય પ્રધાન પ્રવીણ પોટે અમરાવતીની બેઠક ઉપર કૉંગ્રેસના અનિલ માઘોગરીયા સામે ચૂંટણી લડી રહ્યા છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer