કેરળમાં ચામાચિડિયાથી ફેલાતા વાયરસનો કેર : 10નાં મૃત્યુ

`િનપાહ'થી પીડિત 25 દર્દી દેખરેખ હેઠળ : કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગે અસરગ્રસ્ત જિલ્લામાં રવાના કરી ટીમ
કોઝિકોડ, તા. 21 : કેરળના કોઝિકોડ જિલ્લામાં રહસ્યમય અને અત્યંત ઘાતક નિપાહ વાયરસની ઝપેટમાં આવીને 110 લોકો જીવ ગુમાવી ચૂક્યા છે અને 6 લોકોની તબીયત અત્યંત નાજૂક છે. ચામાચિડિયાથી ફેલાતા આ ખતરનાક વાયરસના સકંજામાં ફસાયેલા 25 પીડિતોને તબીબી દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે. ટપોટપ લોકો જીવ ગુમાવવા લાગતા કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગે પ્રભાવિત જિલ્લામાં  એક ટીમને મોકલવામાં આવી  છે. આ નિપાહ વાયરસની અસર થતા તાવ, માથાનો દુ:ખાવો, બળતરા, ચક્કર આવવા સહિતના લક્ષણો જોવા મળે છે અને 48 કલાકની અંતર યોગ્ય સારવાર ન મળતા દર્દી કોમામાં ચાલ્યો જાય છે. 
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના કહેવા પ્રમાણે નિપાહ વાયરસ સામે લડવા માટે હજી સુધી કોઈપણ જાતની રસી વિકસીત કરવામાં આવી નથી અને આ વાયરસથી પીડિત દર્દીને ઈન્ટેન્સિવ સપોર્ટિવ કેર આપીને જ બચાવવાનો પ્રયાસ કરવામાં આવે છે. ડોક્ટરોના કહેવા પ્રમાણે નિપાહ વાયરસ માનવ શરીરમાં ખુબ ઝડપથી ફેલાય છે અને મોટાભાગના કેસમાં જીવલેણ સાબિત થાય છે. એક ખાસ જાતના ચામાચિડિયા કે જેને ફ્રુટ બેટ તરીકે પણ ઓળખવામાં આવે છે તે નિપાહ વાયરસનું મુખ્ય કારણ છે. ખતરનાક વાયરસ સંક્રમિત ડુક્કર કે ચામાચિડિયાથી માણસોને લાગે છે. આ ઉપરાંત નિપાહથી પીડિત વ્યક્તિથી બીજા વ્યક્તિના શરીરમાં પ્રવેશ કરે છે. ડોક્ટરોના કહેવા પ્રમાણે ફળ અને ફળના રસનું સેવન કરતા ચામાચિડિયાના સંપર્કમાં આવેલા ફળનું સેવન કરવાથી નિપાહ વાયરસ ફેલાય છે. 
 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer