કર્ણાટકમાં વિધાયકો ખરીદવાની અૉડિયો ક્લિપનો થયો ભાંડાફોડ

કૉંગ્રેસના જ વિધાયકે કહ્યું, ભાજપનો કોઈ કોલ આવ્યો નથી
બેંગલુરૂ, તા. 21 : કર્ણાટકમાં યેદિયુરપ્પા સરકારના બહુમત પરિક્ષણ પહેલા કેંગ્રેસ દ્વારા સનસનીખેજ ઓડીયો ક્લિપ જારી કરવામાં આવી હતી. જેમાં ભાજપના નેતાઓ વિધાયકોને ખરીદવાનો પ્રયાસ કરી રહ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. હવે આ મામલે પોતાના જ વિધાયકે કરેલા ખુલાસાથી કેંગ્રેસનો ભાંડો ફુટયો છે. કોંગ્રેસી વિધાયકે પોતાની પત્ની સાથે ભાજપના નેતાઓએ વાત કરી હોવાના દાવાને નકાર્યો છે. આ સાથે સ્પષ્ટતા પણ કરી છે કે, ઓડીયો ક્લિપમાં તેમનો અવાજ જ નથી. 
કર્ણાટકના યેલ્લાપુર વિધાનસભાથી કોંગ્રેસના વિધાયક શિવરામ હેબ્બરે આ ઘટસ્ફોટ સોશિયલ વેબસાઈટ ફેસબુક ઉપર કર્યો હતો. જેમાં લખવામાં આવ્યું હતું કે, ન્યુઝ ચેનલના માધ્યમથી તેઓના ધ્યાને આવ્યું હતું કે, કોઈ ઓડીયોમાં મારી પત્ની અને ભાજપના લોકો વચ્ચે વાતચીતનો ઉલ્લેખ કરવામાં આવી રહ્યો છે. હકીકતમાં ઓડીયોમાં સંભળાઇ રહેલો અવાજ કોઈ અન્ય વ્યક્તિનો છે. હેબ્બરે એમ પણ કહ્યું હતું કે, તેઓને ભાજપના લોકોનો કોઈ ફોન આવ્યો નથી. આ સાથે જ હેબ્બરે ઓડીયોને તદ્દન ફર્જી ગણાવ્યો હતો. યેદિયુરપ્પાને બહુમત પરિક્ષણ માટે સમય અપાયા બાદ કોંગ્રેસ અને જેડીએસ દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા હતા કે, તેઓના વિધાયકોને 100-100 કરોડની ઓફર અપાઈ રહી છે અને વિધાયકોની પત્નીઓને ફોન કરીને પણ ઓફર અપાઈ રહી છે. જો કે કોંગ્રેસના વિધાયકે ઓડીયોને બનાવટી ગણાવી દીધો છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer