કર્ણાટકમાં કૉંગ્રેસ-જેડીએસનું ગઠબંધન જનાદેશની વિરુદ્ધ : અમિત શાહ

પ્રમોદ મુઝુમદાર તરફથી
નવીદિલ્હી, તા.21: કર્ણાટકમાં યેદીયુરપ્પા સરકારનાં રાજીનામા બાદ આજે ભાજપનાં અધ્યક્ષ અમિત શાહે પત્રકાર પરિષદ યોજીને કોંગ્રેસ-જેડીએસનાં ગઠબંધન ઉપર ધગધગતો હુમલો બોલાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે કોંગ્રેસ પોતાની હારને પણ જીતનાં રૂપમાં રજૂ કરવાનાં પ્રયાસો કરે છે. કર્ણાટકની જનતાએ કોંગ્રેસ વિરુદ્ધ ધીંગું મતદાન કર્યુ હતું અને સૌથી મોટા પક્ષ તરીકે ભાજપને સરકાર બનાવવાનો પૂરો હક હતો. એટલે જ સરકાર રચવાનો દાવો કરવામાં આવેલો.
અમિત શાહે જોડતોડનાં આક્ષેપો ફગાવતાં કહ્યું હતું કે જો કોંગ્રેસે બહુમત પરીક્ષણ પૂર્વે પોતાનાં ધારાસભ્યોને હોટેલની બહાર છોડી મૂક્યા હોત તો જનતા જ તેમને કોના તરફી મતદાન કરવું એ સમજાવી દેત. કોંગ્રેસે પોતાનાં ધારાસભ્યોને વિજય સરઘસ કાઢવાનો પણ મોકો ન આપ્યો. જો આવું થયું હોત તો પણ ભાજપ વિશ્વાસ મત જીતી ગયો હોત.
ધારાસભ્યોને ખરીદવાનાં પ્રયાસો એટલે કે હોર્સ ટ્રેડિંગ વિશે પુછવામાં આવતાં શાહે કહ્યું હતું કે કોંગ્રેસે તો આખો તબેલો જ વેંચી ખાધો છે. આ ઉપરાંત સૌથી મોટા પક્ષ તરીકે સરકાર રચવાનો દાવો કરીને ભાજપે કંઈ જ ખોટું કર્યુ ન હોવાનું પણ શાહે ઉમેર્યુ હતું. તેમણે કહ્યું હતું કે જનતાએ કોંગ્રેસને નકારી કાઢ્યો છે. તેને હરાવનાર ભાજપ સૌથી મોટો પક્ષ બન્યો છે. જનતાએ પણ ભાજપને બહુમત આપવાનાં પૂરા પ્રયાસો કર્યા છે. કર્ણાટકમાં સ્થિતિ એવી છે કે જીતનો જશ્ન કોંગ્રેસ અને જેડીએસ તો મનાવે છે પણ જનતા નથી મનાવતી. બન્નેએ જનાદેશની વિરુદ્ધ જઈને ગઠબંધન કર્યુ છે. જો કે આ ચૂંટણીથી એક વાત એ પણ સારી થઈ છે કે હવે કોંગેંસને આપણી લોકતાંત્રિક સંસ્થાઓમાં આસ્થા વધી છે. હવે તે સુપ્રીમ કોર્ટથી લઈને ચૂંટણી પંચ સુધી બધાને સન્માન આપે છે.
અમિત શાહે જણાવ્યું હતું કે કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં કૉંગ્રેસ તમામ હદો પાર કરી ગઈ હતી. ક્ષેત્રવાદ, ભાષાવાદ, ધર્મના વિભાજનનો મુદ્દો, લિંગાયતને વિશેષ દરજ્જો આપવાનો મુદ્દો વગેરે ઉઠાવીને તેણે દલિતો અને પછાત વર્ગોને ગુમરાહ કરી ભડકાવવાની કોશિશ કરી હતી. આમ છતાં ભાજપ 104 બેઠકો જીતીને સૌથી મોટા પક્ષ તરીકે ઊભરી આવ્યો હતો. સૌથી મોટા પક્ષ તરીકે સરકાર બનાવવાનો અધિકાર ભાજપનો હતો, એમાં કશું ખોટું નહોતું. 
 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer