ઝવેરી બજારમાં ગંદકી અને ભીડ માટે કુખ્યાત સુતાર ચાલના હાલ-બેહાલ!

ઝવેરી બજારમાં ગંદકી અને ભીડ માટે કુખ્યાત સુતાર ચાલના હાલ-બેહાલ!
એમ્બ્રોઇડરી અને ડેકોરેશન માટે પ્લાસ્ટિક અને થર્મોકોલ સહિતની વસ્તુઓની દુકાનોના ઝૂમખા
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા.21 : પ્રિન્સેસ સ્ટ્રીટમાં સૌથી સંવેદનશીલ ઝવેરી બજારની સુતાર ચાલમાં ગંદકી અને ભીડનું સામ્રાજ્ય છે. ઝવેરી બજારનું નાક ગણાતા ત્રિભોવન ભીમજી ઝવેરી (ટીબીઝેડ) શૉરૂમને અડીને આવેલી આ અત્યંત સાંકડી લેનમાં જરીકામ, ભરતકામ, એમ્બ્રોઇડરીમાં ઉપયોગી લેસ-પટ્ટા, પ્લાસ્ટિકના મોતી, ખોટા હીરા, સતારા, કાચના આભલાં, સ્ટેશનરી, અૉફિસ ફાઇલ્સ તેમ જ ડેકોરેશનમાં ઉપયોગી થર્મોકોલ, પ્લાસ્ટિકની ધજા-પતાકા સહિતની વસ્તુઓની દુકાનોની કતાર છે. 
મૂળજી જેઠા માર્કેટની સામેની જ આ ગલીમાં ખૂણે સાર્વજનિક શૌચાલય આવેલું છે, ઝવેરી બજારમાં આ એક જ સાર્વજનિક શૌચાલય હોવાથી ત્યાં દિવસભર ભીડ રહે છે અને બાજુમાં જ ખાણી-પીણીના ફેરિયાઓ હોવાથી ગંદકી ફેલાયેલી છે. 
સુતાર ચાલ તરીકે ઓળખાતી આ ગલી ઝવેરી બજારથી અબ્દુલ રહેમાન સ્ટ્રીટ સુધીની છે અને લગભગ 300 મીટરની આ લેનમાં બંને તરફ મળી બસો જેટલી નાની-મોટી દુકાનો અને ફેરિયાઓનો વ્યવસાય છે.80થી 100 વર્ષ જૂની ચાર-પાંચ માળની જર્જરિત બિલ્ડિંગોની સાંકડી કોટડીઓમાં પ્લાસ્ટિક અને ભરતકામના જથ્થાબંધ વેપારીઓ બેસે છે. રહેવાસીઓ હવે ભાગ્યે જ બચ્યા છે. દિવસભર આ લેનમાં ભારે ભીડ રહે છે અને સુતાર ચાલમાં હાથગાડીઓ તેમ જ  વેપારીઓના સ્કૂટર જેવા નાના વાહનોની અવર-જવર પણ થાય છે. જોકે અબ્દુલ રહેમાન સ્ટ્રીટમાં એટલી ભીડ અને ટ્રાફિક રહે રહે છે કે એ તરફથી વાહનો પ્રવેશી શકે એમ જ નથી અને એ તરફના છેડેથી વાહનો બહાર પણ નીકળી શકે એમ નથી. ટૂંકમાં એક સમયે બંને તરફથી ખુલ્લી સુતાર ચાલ (લેન)માં હવે માત્ર ઝવેરી બજાર તરફથી જ ખુલ્લી છે અને તે ડબા ગલીમાં ફેરવાઇ ગઇ છે. 
સુતાર ચાલના વેપારીઓના જણાવ્યા પ્રમાણે આ લેનના વેપારીઓ વ્યવસાય બદલતા રહેતા હોવાથી સિઝનલ વેપાર માટેની લેન કહી શકાય. તહેવારો પર ડેકોરેશનનો સામાન અને બાકી મોતી, કાચના આભલાં સહિતનો ભરતકામ અને એમ્બ્રોઇડરીનો સામાન વેચાય છે. હવે વેકેશન ખુલશે એટલે સ્કૂલબૅગ્સ, વૉટરબૅગ્સ અને સ્કૂલ-અૉફિસ સ્ટેશનરીનો સામાન આ ગલીમાં વેચાશે. 
સંવેદનશીલ ગણાતી ઝવેરી બજારમાં ત્રણ વખત બૉમ્બ વિસ્ફોટ થઇ ચૂક્યા છે અને દર વર્ષે આ વિસ્તારમાં જૂની ઇમારતોના હિસ્સા તૂટી પડવાની ઘટનાઓ બનતી રહે છે. આ ગલીમાં પણ સ્લેબના હિસ્સા કે પ્લાસ્ટર -પગથિયાં તૂટવાની નાની-મોટી ઘટનાઓ બની છે કેમ કે તમામ બિલ્ડિંગો જર્જરિત છે અને તેમાં વીજળીના તારો લટકે છે, ખૂબ અંધારું છે, આગની ઘટનાઓ સામે રક્ષણના કોઇ ઉપાયો નથી અને બિલ્ડિંગોમાં ગેરકાયદે ફેરફારો પણ કરાયેલાં છે. જોકે સદ્નસીબે બિલ્ડિંગ ખાબકવાની જીવલેણ ઘટના નથી બની. અત્યંત ગીચ આ વિસ્તારમાં જ્યારે આવી ઘટના બને તો રાહત અને બચાવ કાર્ય માટે પોલીસ કે ફાયર બ્રિગેડને પહોંચતા નાકે દમ આવી જાય છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer