ભારત-રશિયા વચ્ચેના સંબંધો વિશેષ વ્યુહાત્મક ભાગીદારીના સ્તરે : મોદી

ભારત-રશિયા વચ્ચેના સંબંધો વિશેષ વ્યુહાત્મક ભાગીદારીના સ્તરે : મોદી
સોચિમાં રશિયાના પ્રમુખ પુતિન સાથે યોજાઈ અનૌપચારિક બેઠક
સોચિ, તા. 21 :  વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સોમવારે રશિયા પહોંચ્યા બાદ સોચિમાં રશિયન રાષ્ટ્રપતિ વ્લાદીમીર પુતિન સાથે વાર્તાલાપ કર્યો હતો. જેમાં મોદીએ કહ્યું હતું કે, ભારત અને રશિયા વચ્ચેના દ્વિપક્ષિય સબંધો હવે વિશેષ વ્યુહાત્મક ભાગીદારીના સ્તરે પહોંચ્યા છે. જે ખુબ મહત્વની સિદ્ધિ છે. બેઠકની શરૂઆતમાં મોદીએ કહ્યું હતું કે, ભારત અને રશિયા લાંબા સમયથી મિત્રો છે અને બન્ને દેશોએ અખંડ મૈત્રિનો આનંદ માણ્યો છે. આ સાથે મોદીએ રશિયામાં અનઔપચારિક બેઠક માટે આમંત્રણ આપવા બદલ પુતિનનો આભાર માન્યો હતો. 
મોંદીએ કહ્યું હતું કે, ભારતને શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશનમાં સ્થાયી સભ્ય પદ અપાવવા માટે પણ રશિયાએ ચાવી રૂપ ભૂમિકા નિભાવી હતી. વધુમાં ભારત અને રશિયા નોર્થ સાઉથ  ટ્રાન્સપોર્ટ કોરિડોર અને બ્રિક્સ માટે સાથે મળીને કામગીરી કરી રહ્યા છે.પુતિન સાથે મુલાકાત દરમિયાન મોદીએ ઉમેર્યું હતું કે, તેઓ બહુમતથી ચોથી વખત રાષ્ટ્રપતિ પદ ગ્રહણ કરનારા પુતિનને ફોન ઉપર અભિનંદન પાઠવ્યા હતા. પરંતુ રૂબરૂ રશિયામાં મળીને અભિનંદન પાઠવવાની તક મળી છે. મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળને યાદ કરતા કહ્યું હતું કે, તેઓના વિદેશ પ્રવાસની શરૂઆત રશિયાથી જ થઈ હતી. એક સમયે તત્કાલિન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી અને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદીમીર પુતીને વાવેલું દ્વિપક્ષિય સબંધોનું બીજ હવે વિશેષ વ્યુહાત્મક ભાગીદારીમાં તબદીલ થયું છે. જે ભારત અને રશિયા માટે વિશેષ સિદ્ધિ સમાન છે. 
આ અગાઉ જ્યારે વડાપ્રધા નરેન્દ્ર મોદી રશિયાના સાંતિમાં પહોંચ્યા ત્યારે પુતિને કહ્યું હતું કે, આ અનઔપચારિક બેઠક ભારત અને રશિયાના સબંધો વધુ મજબુત બનાવશે. વધુમાં એમ પણ કહ્યું હતું કે, ભારત અને રશિયા મજબુત સબંધ ધરાવે છે અને સતત એકબીજાનો સહકાર આપવા પ્રતિબદ્ધ રહે છે. આ ઉપરાંત સંરક્ષણ મંત્રાલયો પણ એકબીજાના સંપર્કમાં રહીને સહકારથી કામગીરી કરી રહ્યા છે. મોદી અને પુતિન વચ્ચેની મુલાકાત દરમિયાન અન્ય વૈશ્વિક સમસ્યાઓ અને ઈરાન પરમાણું કરારમાં અમેરિકાના દુર ખસી જવાના નિર્ણયથી થનારી અસર અંગે પણ વાતચીત કરવામાં આવી હતી. તેમજ રશિયા ઉપર અમેરિકાના પ્રતિબંધો બાદ ભારત અને રશિયા વચ્ચેના સબંધોનો મુદ્દો પણ સમાવવામાં આવ્યો હતો અને મહત્વનો વાર્તાલાપ થયો હતો. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer