શપથવિધિ પહેલાં પ્રધાનમંડળની રચના અંગે મતભેદ

શપથવિધિ પહેલાં પ્રધાનમંડળની રચના અંગે મતભેદ
સોનિયા અને રાહુલ ગાંધી સાથે કુમારસ્વામીની મુલાકાત
કર્ણાટકમાં નાયબ મુખ્ય પ્રધાન નીમવાના મુદ્દે મડાગાંઠ
આનંદ કે. વ્યાસ તરફથી
નવી દિલ્હી, તા. 21 : કર્ણાકટના મુખ્યમંત્રી પદે આગામી 23મી મેના રોજ શપથગ્રહણ પહેલા આજે જેડીએસ નેતા કુમારસ્વામી દિલ્હી પહોંચ્યા હતા. દિલ્હીમાં કુમારસ્વામી કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી હતી. મુલાકાત દરમિયાન કુમારસ્વામીએ રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીને શપથગ્રહણ સમારોહમાં હાજરી આપવા આમંત્રણ આપ્યું હતું. જેનો રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીએ સ્વીકાર કર્યો હતો. 
આ અગાઉ દિલ્હી પહોંચેલા કુમારસ્વામીએ બસપા સુપ્રીમો માયાવતી સાથે પણ મુલાકાત કરી હતી. જ્યારે સીપીએમના મહાસચિવ સીતારામ યેચૂરી સાથે ફોન ઉપર વાત કરીને શપથગ્રહણ સમારોહમાં હાજર રહેવા આમંત્રણ આપ્યું હતુ. દિલ્હીમા રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી સાથે મુલાકાત દરમિયાન કુમારસ્વામીએ કર્ણાટક સરકારના ગઠન મુદ્દે વાતચીત કરી હોવાના પણ અહેવાલ છે. જો કે મુલાકાત બાદ કુમારસ્વામીએ  કહ્યું હતું કે, ગાંધી પરિવાર પ્રત્યે આદરભાવના વ્યક્ત કરવા માગતા હોવાથી રાહુલ અને સોનિયાની મુલાકાત કરી હતી. જેમાં બન્નેને શપથગ્રહણ સમારોહમાં ઉપસ્થિત રહેવા આમંત્રણ આપ્યું હતું અને આ આમંત્રણને રાહુલ અને સોનિયાએ સ્વીકાર્યું છે. રાહુલ ગાંધી સાથેની મુલાકાત દરમિયાન જેડીએસના નેતા દાનિશ અલી અને કોંગ્રેસના કેસી વેણૂગોપાલ પણ હાજર રહ્યા હતા. કુમારસ્વામીની મુલાકાત અગાઉ  રાહુલ ગાંધીના આવાસે કોંગ્રેસ નેતા ગુલામ નબી આઝાદ, અશોક ગેહલોત અને વેણૂગોપાલ વચ્ચે પણ એક બેઠક કરવામાં આવી હતી. જેના પગલે કુમારસ્વામી સાથેની મુલાકાત દરમિયાન કેબિનેટના ગઠન મામલે પણ ખાસ રણનીતિ બનાવવામાં આવી હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
સત્તાની વહેંચણીની ફૉર્મ્યુલા અંગે નિર્ણય લેવામાં કૉંગ્રેસની નેતાગીરી પોતાનો સમય લઈ રહી છે એટલે કુમારસ્વામીને કર્ણાટકમાંના તેના ચૂંટણી પહેલાંના ભાગીદાર બસપાના વડા માયાવતીને મળવાનો મોકો મળી ગયો હતો. સોનિયા અને રાહુલને મળતાં પહેલાં કુમારસ્વામી માયાવતીને મળતાં એવો સંદેશ મળે છે કે તેઓ તેના પ્રાદેશિક મોરચાના પક્ષને કેટલું મહત્ત્વ આપે છે. કૉંગ્રેસના સ્થાનિક નેતાઓ એમ કહે છે કે નાયબ મુખ્ય પ્રધાનનો હોદ્દો બન્ને સાથી પક્ષો વચ્ચે સત્તાનું સંતુલન બનાવશે ત્યારે જેડી(એસ)ના સૂત્રોએ જણાવ્યું હતું કે બુધવારે મુખ્ય પ્રધાનપદના શપથ લેનારા કુમારસ્વામી પછી બીજા નાયબ મુખ્ય પ્રધાનપદનો પક્ષ વિરોધ કરે છે. શપથવિધિ સમારોહ વિપક્ષની તાકાતના પ્રદર્શનની તક પૂરી પાડશે જેમાં ઘણા મુખ્ય પ્રધાનો અને અન્ય નેતાઓ હાજર રહેવાના છે. સૂત્રોએ જણાવ્યું હતું કે કૉંગ્રેસના ડી. કે. શિવકુમાર અને એમ. બી. પાટીલ બીજા નાયબ મુખ્ય પ્રધાનપદ માટેની રેસમાં સૌથી આગળ છે. રાજ્ય કૉંગ્રેસના વડા જી. પરમેશ્વરનું નામ પણ આ હોદ્દા માટે બોલાઈ રહ્યું છે.
કુમારસ્વામીના પક્ષે જીતેલી 38 બેઠકોની સરખામણીમાં કૉંગ્રેસે 78 બેઠકો જીતી છે અને પ્રધાનમંડળમાં તેનો મોટો હિસ્સો રહેશે એવી ધારણા છે. રાજ્યના કૉંગ્રેસના નેતાઓ કૅબિનેટના 33 હોદ્દામાંથી 20 પર નજર રાખી રહ્યા છે.
લોકસભામાં કૉંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખડગેએ એવો સંકેત આપ્યો હતો કે કુમારસ્વામી બુધવારે હોદ્દાના શપથ લેશે અને પ્રધાનમંડળનું વિસ્તરણ ગૃહમાં બહુમતી પુરવાર થયા બાદ કરાશે.
 
 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer